નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારના અંતિમ બજેટના સ્વરુપને લઇને ચાલી રહેલી અટકળો વચ્ચે આજે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, આ બજેટ વચગાળાનું બજેટ ૨૦૧૯-૨૦ રહેશે. પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બજેટને વચગાળાનું બજેટ નામ અપાયું છે. આ મુદ્દા ઉપર કોઇપણ પ્રકારની દુવિધા અને ગુંચવણ રહેવી જાઇએ નહીં. તેમણે કહ્યું હતું કે, દસ્તાવેજામાં સત્તાવારરીતે વચગાળાના બજેટનો ઉલ્લેખ રહેશે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ઓફિસરોના વર્કશોપમાં આ મુજબની બાબત સપાટી ઉપર આવી હતી. આ માહિતી કેટલાક પત્રકારો સાથે પણ વહેંચવામાં આવી હતી તેને લઇને દુવિધા ઉભી થઇ હતી. નાણામંત્રાલયના ખુલાસા બાદ પણ પીઆઈબીના અધિકારઓનું કહેવું છે કે, સત્તાવાર પ્રેસ રીલીઝમાં પહેલી ફેબ્રુઆરીના બજેટને જનરલ બજેટ નામ આપવામાં આવ્યું છે.
માર્કેટ અને પોલિસી નિષ્ણાતોમાં એવી ચર્ચા રહી છે કે, સરકાર ત્રણ રાજ્યોમાં ચૂંટણી હારી ગયા બાદ લોકસભા ચૂંટણીમાં ઉતરનાર છે જેથી આ બજેટ વોટ ઓન એકાઉન્ટ કરતા વધારે રહેશે. નાણામંત્રી પીયુષ ગોયેલ અરુણ જેટલીની જગ્યાએ બજેટ રજૂ કરનાર છે. જેટલીની જગ્યાએ બજેટ રજૂ કરતી વેળા પીયુષ ગોયેલ ખેડૂતો માટે રાષ્ટ્રવ્યાપી આવક યોજના જાહેર કરી શકે છે. સાથે સાથે મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગને પણ મોટી રાહત આપી શકે છે. જાણકાર લોકોના કહેવા મુજબ વચગાળાના બજેટમાં કોઇપણ પરોક્ષ ટેક્સ દરખાસ્તો રહેશે નહીં. આ દરખાસ્તોને ઇન્કમટેક્સ એક્ટમાં સુધારાની જરૂર રહે છે. છેલ્લા વચગાળાના બજેટમાં પરોક્ષ કરવેરાના દરમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. બજેટને લઇને અટકળો વચ્ચે પહેલીએ બજેટ રજૂ કરાશે.