નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારામન પાંચમી જુલાઇના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. બજેટમાં ટેક્સ સ્લેબ અને દરમાં કેટલીક રાહત મળી શકે છે. હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં મોટાભાગના લોકોએ એવો અભિપ્રાય આપ્યો છે કે, સરકાર બજેટમાં મોટા ભાગના વર્ગને ધ્યાનમાં લઇને અનેક રાહત આપવાના પ્રયાસ કરશે. કારણ કે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં ૩૦૩ સીટો જીતી લીધી હતી. ઇન્કમટેક્સ એક્ટની કલમ ૮૦સીને લઇને પણ ચર્ચા છે. કરદાતાઓને આશા છે કે, પીપીએફ, ટેક્સ સેવિંગ્સ એફડી અને અન્ય જાગવાઈ હેઠળ છુટછાટ હાસલ કરવા માટે આ મર્યાદાને વધારી શકે છે.
નાણામંત્રાલય આગામી બજેટમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની અલગ કરવાની શક્યતા ચકાસી રહી છે. આ ઘટનાક્રમ સાથે જાડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, વર્તમાન સમયમાં જો કોઇ કંપની પોતાના શેર ધારકોને લાભ આપે છે તો તેને ૨૦.૩૬ ટકાના ડીડીટી ચુકવવાની ફરજ પડે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ માટે એચઆરએ હેઠળ વધારે રકમ પર ટેક્સ છુટછાટ મળે છે. અલબત્ત આ ચાર શહેરો ઉપરાંત બેંગ્લોર, પુણે, હૈદરાબાદ અને ચંદીગઢ જેવા શહેરોમાં પણ રેન્ટ ફુડ વધારે છે. આવી સ્થિતિમાં કરદાતાઓને આશા છે કે, આ કેટેગરીમાં અન્ય શહેરોને પણ સામેલ કરવામાં આવી શકે છે. નોટિસ પિરિયડને લઇને બજેટમાં રાહત આપવામાં આવી શકે છે.
નોટિસ વગર નોકરી બદલવા પર કર્મચારીને આ ગાળા દરમિયાનની રકમ કંપનીને ચુકવવી પડે છે. કરદાતાઓનું માનવું છે કે, આ બાબત કર્મચારી પર બેવડા ફટકા સમાન છે. કારણ કે એકબાજુ તેને પગાર ઉપર ટેક્સ ચુકવવાની જરૂર પડે છે. જે તેને મળતી નથી. બીજી બાજુ કંપનીને વધારે રકમ ચુકવવી પડે છે. વર્તમાન ટેક્સ નિયમો મુજબ ચાર વર્ષના ગાળા દરમિયાન બે યાત્રા પર છુટછાટ મળે છે. આ છુટછાટ ભારતમાં યાત્રા ઉપર મળે છે. આ નિયમમાં સુધારા કરવાની માંગ ઉઠી ચુકી છે. આને પ્રતિવર્ષ એક યાત્રા વધારવાની જરૂરિયાત દેખાઈ રહી છે.નિર્મલા સીતારામન સુધારા માટે જાણીતા છે. વાણિજ્ય મંત્રી તરીકેના ગાળા દરમિયાન તેઓએ ૭૫ સુધારા રજૂ કર્યા હતા. જેથી બજેટમાં નિર્મલા સીતારામન બજેટ લગતી કેટલીક મોટી જાહેરાત કરી શકે છે.