અલવરઃ માર મારીને હત્યા કરી દેવાનો મામલો સપાટી પર આવ્યો છે. મૃતકનું નામ અકબર હોવાનું જાણવા મળ્યું હતું. એવા અહેવાલ પણ મળ્યા છે કે તે બે ગાયોને લઈને જઈ રહ્યો હતો ત્યારે જ કેટલાક લોકોએ ગૌ તશ્કરીનો આરોપ મુકીને તેને માર માર્યો હતો. મામલો અલવર જિલ્લાના રામગઢ વિસ્તારના લલ્લાવંડી ગામનો છે. જ્યાં શુક્રવારને મોડી રાત્રે સ્થાનિક લોકોએ અકબરને ગૌ તશ્કરીના આરોપસર નિર્દય રીતે માર માર્યો હતો. પોલીસે આ મામલામાં તપાસ શરૂ કરી દીધી છે પરંતુ હજુ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી.
રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ મામલાની નિંદા કરી છે. અલવર જિલ્લામાં બનેલા આ બનાવની નિંદા કરતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે દોષિતો સામે તમામ રીતે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મૃતક હરિયાણાના કોલાગાંવનો નિવાસી છે. અલવરના એએસપી અનિલ બેનિવાલે કહ્યું છે કે તે ગૌ તશ્કરીમાં સામલે હતો કે તે અંગે માહિતી મળી શકી નથી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી દેવામાં આવ્યો છે. આરોપીની ઓળખ ટૂંક સમયમાં જ કરી લેવામાં આવશે. બીજી બાજુ અલવરના સાંસદ કરણસિંહ યાદવે આ મામલામાં દોષિતોની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજી બાજુ એઆઈએમઆઈએના અધ્યક્ષ અસાસુદ્દીન ઓવેશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વીટ કરીને કહ્યું છે કે ગાયને બંધારણની કલમ ૨૧ હેઠળ જીવવાનો અધિકાર છે પરંતુ એક મુસ્લિમને મારી નાખવામાં આવે છે કારણ કે તેને જીવવાનો નૈતિક અધિકાર નથી. આ પહેલા ૨૦૧૭માં અલવરમાં જ ૫૫ વર્ષના પહેલુખાનની હત્યા કરવામાં આવી હતી.