અમદાવાદ શહેરના પાંજરાપોળ પાસે તા.૨૧ નવેમ્બરના રોજ બીઆરટીએસ બસે એક બાઈકને અડફેટે લેતા બે સગા ભાઈઓના મોત નીપજવાના ચકચારભર્યા કેસમાં એફએસએલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે કે, અકસ્માત સમયે બીઆરટીએસ બસના ડ્રાઇવરે બંને ભાઇઓને ઉડાવ્યા બાદ પણ બસને બ્રેક મારી ન હતી. આ ઘટના બાદ સમગ્ર શહેરમાં બીઆરટીએસ બસ અને બસ ચાલક સામે ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
આઘાતજનક વાત તો એ છે કે, અકસ્માત બાદ ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિ ફરાર થઈ ગયો હતો. બાદમાં પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી અકસ્માતના બીજા દિવસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બસનાં ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિ સામે સદોષ માનવધનો ગુનો નોંધાયો છે. દરમ્યાન ચકચારભર્યા એવા આ કેસમાં એફએસએલ રિપોર્ટમાં બહુ મહત્વનો ખુલાસો સામે આવ્યો છે કે, બસના ચાલકે બે ભાઇઓને ઉડાવ્યા છતાં પણ બ્રેક મારી ન હતી.
એફએસએલ રિપોર્ટ મુજબ, સ્થળ તપાસ દરમિયાન ચાલકે અકસ્માતના થોડા સમય બાદ હોબાળો થતાં બ્રેક મારી હતી, પરંતુ બે ભાઇઓને બચાવવા માટે બ્રેક જ મારી ન હતી. એફએસએલના આ રિપોર્ટ બાદ મૃતકોના પરિવારજનો અને નાગરિકોમાં ભારોભાર આક્રોશ પ્રવર્તી રહ્યો છે. આ અકસ્માતમાં ટ્રાફિક પોલીસને આપેલા એક નિવેદનમાં ડ્રાઇવરે કબૂલાત કરી હતી કે, તેણે બીઆરટીએસનું સિગ્નલ બંધ હતું કે ચાલુ હતું તે જોયું જ ન હતું. જનરલ ટ્રાફિક સિગ્નલ જોઇને બસ હંકારી દીધી હતી, જ્યારે મને લાગ્યું કે બસ સાથે કંઈક અથડાયું છે.