અમદાવાદ : શહેરીજનોમાં પોતાની ઝડપ, નિયમિતતા અને સ્વચ્છતા માટે પ્રશંસા પામેલી બસ રેપીડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે બીઆરટીએસ અમદાવાદની એએમટીએસ બાદની બીજી જાહેર પરિવહન સેવા છે. આ બીઆરટીએસ સેવાની શરૂઆત ગત ઓક્ટોબર-ર૦૦૯માં આરટીઓથી ચંદ્રનગર (વાસણા) વચ્ચે તત્કાલીન રાજ્યના મુખ્યપ્રધાન અને હાલના દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાઇ હતી. ત્યારબાદ બીઆરટીએસ બસ સર્વિસની લોકપ્રિયતા અને વ્યાપમાં સતત વૃદ્ધિ થતી થઇ છે તેની સાથે-સાથે બીઆરટીએસ કોરિડોરમાં ઠેર ઠેર ખાનગી વાહનચાલકો દ્વારા બેધડકપણે થતી ઘૂસણખોરી તંત્ર માટે પડકારરૂપ બની છે, ત્યારે હવે બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદે પ્રવેશતા વાહનચાલકો પર તવાઇ બોલાવવા અમ્યુકો તંત્રએ કમર કસી છે અને તંત્ર દ્વારા આ માટે બીઆરટીએસ રૂટમાં નિયત સ્થળોએ સ્ટ્રિંગ ગેટ અને એએનવીપી કેમેરા લગાવવાનું આયોજન હાથ ધરાયું છે, તેથી જા કોઇ વાહનચાલક બીઆરટીસ કોરિડોરમાં ઘૂસશે તો કેમેરામાં કેદ થઇ જશે અને તંત્રની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
બીઆરટીસ કોરિડોરમાં ખાનગી વાહનચાલકો ઘૂસી જવાના કારણે બીઆરટીએસ બસનું સમગ્ર શીડયુલ ખોરવાઇ જાય છે તેમજ અવારનવાર કોરિડોર સંલગ્ન ચાર રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવે છે. આના નિરાકરણ માટે અત્યારે તો ખાનગી સિક્યોરીટીના ગાર્ડ સામસામે દોરડા ઝીલીને ઊભા રહે છે, જે બીઆરટીએસ બસની અવરજવર બાદ જે તે કોરિડોરમાં ગેરકાયદે વાહનના થતા પ્રવેશને દોરડાથી બાંધીને અટકાવે છે.
જો કે આગામી દિવસોમાં કોરિડોરમાં ઘૂસનારા ખાનગી વાહનચાલકોએ આકરો દંડ ભરવાની તૈયારી રાખવી પડશે, કેમ કે તંત્ર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવાઇ રહી છે. અમદાવાદમાં આજે બીઆરટીએસ બસ સર્વિસનો દૈનિક અંદાજે ૧.પ૦ લાખ પેસેન્જર લાભ લે છે. આરટીઓ-મણિનગર-વાસણા-નરોડા સહિત અગિયાર રૂટ અને બે સરકયુલર રૂટ પર કેબિન સહિત ૧પ૦ બસ સ્ટેશન છે તેમજ દરરોજ ૧૮૬ એસીબસ સહિત અંદાજે રપ૦ ડીઝલ ચાલિત બસ કોરિડોરમાં દોડી રહી છે. અત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં ગેરકાયદે ઘૂસનારા વાહનચાલકોને પકડીને સ્થળ પર ૧૦૦૦ રૂપિયાનો દંડ લેવાઇ રહ્યો છે, પરંતુ અસંખ્ય કિસ્સામાં ટ્રાફિક પોલીસની આંખમાં ધૂળ નખાય છે. અગાઉ બીઆરટીએસ બસ સ્ટેશન પરના સીસીટીવી કેમેરા ખાનગી વાહનોના પ્રવેશ પર અંકુશ મૂકી શકશે તેવી ચર્ચા ઊઠી હતી, પરંતુ આ સીસીટીવી કેમેરા દેખાવના પુરવાર થયા છે. એટલે હવે તંત્ર દ્વારા સ્ટ્રિંગ ગેટ અને એએનવીપી કેમેરા એમ બન્ને પ્રકારથી બીઆરટીએસ કોરિડોરને ખાનગી વાહનોના પ્રવેશ સામે સુરક્ષિત બનાવવાની દિશામાં ક્વાયત હાથ ધરાઇ છે. બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગત તા.રપ ઓગસ્ટ, ર૦૧૮એ તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરના એલ કોલોની બસ સ્ટેશન ખાતે સ્ટ્રિંગ ગેટનો પાઈલટ પ્રોજેક્ટ અમલમાં મુકાયો હતો. સ્ટ્રિંગ ગેટના આ પાઈલટ પ્રોજેક્ટને સફળતા મળતાં અન્ય બીઆરટીએસ બસ સ્ટેશન પર સ્ટ્રિંગ ગેટ મૂકવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે.
એલ કોલોનીના અપ અને ડાઉન દિશામાં મુકાયેલા સ્ટ્રિંગ ગેટ ફક્ત બીઆરટીએસ બસ માટે જ ખૂલશે અન્ય ખાનગી વાહનો માટે ટેગિંગ સિસ્ટમના કારણે તે હંમેશાં બંધ રહેશે, જેના કારણે ખાનગી વાહનોનો બીઆરટીએસ કોરિડોરમાં થતો ગેરકાયદે પ્રવેશ આપોઆપ અટકશેય તંત્ર દ્વારા ખાનગી વાહનધારકોના ટુ વ્હીલર, થ્રી વ્હીલર કે ફોર વ્હીલરની ફક્ત નંબર પ્લેટનો ફોટો પાડે તેવા નાઇટ વિઝન ધરાવતા એએનવીપી કેમેરા પણ એલ કોલોની ઉપરાંત જે તે બસ સ્ટેશન પર મુકાઇ રહ્યા છે. આ અંગે સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો હવાલો ધરાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાકેશ શંકરે જણાવ્યું કે, આ એએનવીપી કેમેરાનું સંચાલન ટ્રાફિક પોલીસ કરશે. આના ફૂટેજના આધારે ટ્રાફિક પોલીસ દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસનારા વાહનચાલકોને ઇ-મેમો ફટકારાશે. આ માટેનો સર્વે હાથ ધરાયો છે. સ્ટ્રિંગગેટ અને એએનવીપી કેમેરા સિસ્ટમથી તંત્ર ખાનગી વાહનચાલકો વિરુદ્ધ ઝીરો ટોલરેન્સની કડક નીતિ અપનાવશે.