દિલ પે પથ્થર રખ કે મેંને બ્રેક અપ કર લીયા….આ ગીત ભારે હદયે છતાં મોઢું હસતુ રાખીને ઘણાં લોકોને ગાતા આપણે સાંભળ્યા હશે. બીજાને પોતાની ગાથા કહેવી બહુ સહેલી છે કે જવાદે ને યાર બ્રેક અપ થઈ ગયુ…પણ ખરેખર જ્યારે તમે એ સિચ્યુએશનમાં હોવ અને કોઈ પણ સંજોગોવસાત એકબીજાથી અલગ થવાનું આવે તે સહેલુ નથી. જગ સૂના સૂના લાગે….જેવી ફિલિંગ્સ હોય ત્યારે પોતાની જાતને બેલેન્સ કરવાની જવાબદારી વધી જાય છે.
જ્યારે પ્રેમ સંબંધો એ પરિસ્થિતિ પર પહોંચી જાય કે આગળ ખેંચવા માટે કંઈ જ આરો ન હોય ત્યારે પ્રેમથી છૂટા પડવું બેસ્ટ સોલ્યૂશન છે. વૈદેહી અને નિશાંત બે વર્ષથી એક બીજાનાં પ્રેમમાં હતા. નિશાંતની દારુ પીવાની અને સિગરેટની લતથી વૈદેહી ખૂબ જ પરેશાન હતી. હજારવાર આજીજી કર્યા છતાં પણ નિશાંત ખોટુ બોલતો રહ્યો. વૈદ્હીથી વાત છૂપાવવા લાગ્યો. વૈદેહીનો ભરોસો ઘટતો ગયો, કારણ માત્ર એવ જ કે તેને વૈદેહીનાં પ્રેમ કરતાં પણ પ્રાયોરીટીમાં નશો હતો. આ નશાથી તંગ આવીને વૈદેહીએ નિશાંત સાથેનાં પોતાના પ્રણય સંબંધનો અંત આણ્યો. દિપા અને જીજ્ઞેશ છ મહીનાથી રીલેશનશીપમાં હતા. દિપાનાં રૂઢીચુસ્ત ફેમિલીમાં લવમેરેજ વિશે વિચારવુ પણ ગુન્હો હતો. જીજ્ઞેશનાં ફેમિલી દિપાને સ્વિકારવા તૈયાર હતા, પરંતુ દિપાએ જીજ્ઞેશને કહી દીધુ કે હું ક્યારેય મારા પપ્પાને નહીં કહી શકુ એમ સમજી લે કે આ સંબંધ અહીં જ પૂરો થયો. આવા કેટલાય બ્રેક અપ હશે જેમાં પરિસ્થિતિ તમારા હાથમાં નથી હોતી.
લાગણીઓનાં સંબંધથી જુદા થતા દુ:ખ જરૂર લાગે છે, પરંતુ જ્યારે આવી સિચ્યુએશન આવી પડે ત્યારે ઝગડો કરીને કે એકબીજાને અપમાનિત કરીને છૂટા ન પડો. યાદ રાખો આ એ જ વ્યક્તિ છે જેને તમે ક્યારે દિલથી ચાહતા હતા. આ એ જ વ્યક્તિ છે જેના માટે તમે સર્વસ્વ લૂટાવા તૈયાર હતા. તે વ્યક્તિ સાથે તમારે સાથે રહેવાનું કિસ્મતમાં ન લખ્યુ હોય તો કંઈ નહીં પરંતુ તેને ક્યારેય અપમાનિત ન કરતા. જેણે તમને જીવનમાં થોડા પણ સારા સંસ્મરણો આપ્યા છે, તમારા જીવનને ઉમંગથી ભરી દીધો હતો તેવા સૂવર્ણ સમયને આપનાર વ્યક્તિ માટે હંમેશા ઉદાર જીવ રાખજો. એવું ન વિચારશો કે દુ:ખ પણ તેમણે જ આપ્યુ છે…તેની સારી વાતો યાદ રાખો. બ્રેકઅપ પણ એવી રીતે કરો કે જો તમને કોઈ દિવસ તે વ્યક્તિનો સામનો કરવો પડે તો મનમાં સંકોચ ન થાય. કુદરતનાં નિર્ણયને સ્વિકારીને હસતા મોઢે જીવનમાં આગળ વધીએ અને જો ભૂતકાળની કોઈ યાદ પણ આવી જાય તો હોઠો પર સ્મિત રહે તેવી રીતે બ્રેક અપ કરીએ. પોતાના એક્સને દુશ્મન ન બનાવ્યા વગર પણ શાંતિથી બ્રેકઅપ તો કરી જ શકાય છે…વિચાર કરી જો જો….
- પ્રકૃતિ ઠાકર(http://khabarpatri.com/author/prakruti/ )