સ્ટ્રોક્સનો હુમલો આવે તો ખબર કેવી રીતે પડે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : સ્ટ્રોક્સનો હુમલો આવે તો ઘણીવાર વ્યકિતને ખબર પડતી નથી પરંતુ તેના સામાન્ય લક્ષણો જણાવતાં ઇન્ડિયન સ્ટ્રોક એસોસીએશનના પ્રેસીડેન્ટ ડો.વિનીત સુરી કહે છે કે, અચાનક શરીરનું બેલેન્સ ના રહે, કયારેક આંખોમાં અંધારા આવી જાય, મોંઢુ એક તરફ ખેંચાય અને બોલવામાં જીભ થોથવાય, બે હાથ ઉંચા કરો ત્યારે એક હાથ નીચે આવી જાય, વાણી સમજવામાં મુશ્કેલી, અચાનક ચાલવામાં મુશ્કેલી વગેરે સ્ટ્રોક્સના લક્ષણો છે.

સ્ટ્રોક્સ અથવા મગજનો હુમલો એવો રોગ છે જે મગજમાં પ્રાણવાયુ અને પોષકો સાથે રકતનો પુરવઠો અવરોધાય અથવા ઓછો થાય ત્યારે સ્ટ્રોકસ ઉદ્‌ભવીને સેંકડો મગજના કોષોને મારી નાંખે છે. આ અવરોધ મગજમાં અવરોધાયેલી ધમનીઓ અથવા રકતવાહિનીના ફાટવાથી પેદા થાય છે. બી.જે.મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના માનદ્‌ આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.અરવિંદ શર્માએ જણાવ્યું કે, સ્ટ્રોક્સના કિસ્સામાં તાત્કાલિક અને અસરકારક સારવાર બહુ અનિવાર્ય છે.

સ્ટ્રોક્સ આવે એટલે બી ફાસ્ટ અને એક્ટ ફાસ્ટનો કન્સેપ્ટ અમલમાં મૂકવો જોઇએ. સ્ટ્રોકસના દર્દી માટે એકેએક સેકન્ડ કિમતી છે, શરૂઆતના બેથી ચાર કલાક બહુ મહત્વના છે. પાંચ-છ કલાક પછીનો સમય કે વિલંબ દર્દી માટે ઘાતક બની શકે છે, તેથી ત્વરિત અને અસરકારક સારવાર બહુ અનિવાર્ય છે. સ્ટ્રોક સ્પેશ્યાલિસ્ટ સેન્ટર અને સ્ટ્રોક્સ યુનિટમાં દાખલ કરાય તો દર્દીને સારા પરિણામો મળી શકે.

Share This Article