બોપલમાં વર્ષો જૂના દસ વૃક્ષો કપાતાં વિવાદ : લોકોમાં રોષ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : શહેરના બોપલના સ્ટર્લિગ સિટી પાસે આવેલી વ્રજ વિહાર સોસાયટીમાં વર્ષો જૂના અને ઘટાદાર દસ જેટલા વૃક્ષોનુ નિકંદન કાઢી નાખવામાં આવતાં જોરદાર વિવાદ વકર્યો હતો. સોસાયટીના વૃક્ષોને ટ્રીમીંગની પરમીશન આપી હોવાછતાં આખેઆખા વૃક્ષો જ કાપી નાંખવામાં આવતાં આટલા ઘટાદાર વૃક્ષોની હત્યાને લઇ સ્થાનિક લોકોની લાગણી બહુ દુભાઇ હતી. બોપલમાં વૃક્ષ નિકંદનની આ ઘટનાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મેયર શ્રીમતી બીજલબહેન પટેલની વૃક્ષ વાવો અને તેની જાળવણીની ઝુંબેશના જાણે લીરેલીરા ઉડાવ્યા હતા. વાસ્તવમાં અમદાવાદ શહેરમાં લોકોના ઘરો આગળ કે સોસાયટી પાસેના વૃક્ષોના રક્ષણ કે તેની જાળવણીની અમ્યુકો તંત્ર પાસે કોઇ નીતિ જ નથી.

અમ્યુકોએ આ સમગ્ર મામલે તાકીદે કોઇ ચોકક્સ અને અસરકારક નીતિ ઘડવી જોઇએ તેવી પણ ઉગ્ર માંગણી લોકોમાં ઉઠવા પામી હતી. આ અંગેની વિગત એવી છે કે, બોપલમાં વ્રજ વિહાર સોસાયટીમાં વર્ષોથી રહેતું ડાકટર દંપતી દીપક પટેલ અને વૈશાલી પટેલ આજે સવારે પોતાના ક્લિનિક ગયું તે સમયે તેમના ઘર પાસેના ૧૦ જેટલા વૃક્ષો કપાયેલી હાલતમાં જોયા હતા. આ અંગે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી અને ઝાડ કાપનારે તેમને અલગ અલગ જવાબ આપ્યા હતા. હાલ પોતાના ઘર પાસે વર્ષો જુના સાથી એવા વૃક્ષો કપાઇ જતા ડોક્ટર દંપતી પણ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે. થોડા સમય પહેલા તેમણે તેમના ઘર પાસેના ઝાડને ટ્રીમ કરવા માટે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને મંજૂરી આપી હતી. પરંતુ આજે સવારે દીપકભાઇ અને વૈશાલીબહેન પોતાના ક્લિનિક પર ગયા તે અરસામાં તેમના ઘર પાસેના ૧૦ વૃક્ષ આખા કપાયેલી હાલતમાં હતા. તેની સાથે સાથે અન્ય વૃક્ષો પણ કાપી નાંખવામાં આવ્યા હતા., જેથી સ્થાનિક લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.

લોકોએ જોરદાર માંગણી કરી હતી કે, અમ્યુકો તંત્રએ શહેરમાં લોકોના ઘરો આગળ કે સોસાયટીઓના રોડ બહાર ઉગેલા વૃક્ષો હોય તેના રક્ષણ કે જાળવણીની કોઇ નીતિ જ નથી, ઘણીવાર તો રસ્તેથી પસાર થતાં અણઘડ અને અભણ લોકો પર્યાવરણ અને વૃક્ષ જતનના કાયદાઓની ઐસી તૈસી કરીને વૃક્ષને તોડી કાઢતા હોય છે કે તેના ડાળા કાપી નાંખતા હોય છે ત્યારે હવે અમ્યુકોએ શહેરભરમાં લોકોના ઘરો આગળ રહેલા વૃક્ષોના રક્ષણ અને જતન માટેની ચોક્કસ નીતિ ઘડી કાઢવી જોઇએ. દંડ અને શિક્ષાત્મક જોગવાઇઓનો સમાવેશ કરવો જોઇએ.

Share This Article