અમદાવાદ : ગુજરાતી-હિન્દીના સાહિત્યકાર અને કટાર લેખક ડો. ચંદ્રકાન્ત મહેતાનાં પાંચ પુસ્તકોના વિમોચનના કાર્યક્રમ રાજભવન ખાતે રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે મંગળવાર, તા.૯ જુલાઇના રોજ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું કે માણસની માણસાઇ સંવેદનશીલતામાં જ છે. સંવેદનશીલતા એ એવો ગુણ છે જે આપણને આપણાથી બહાર નીકાળીને બીજાનાં મન સાથે જોડે છે. ડો. ચંદ્રકાન્ત મહેતાનું વ્યક્તિત્વ પણ સંવેદનશીલ છે. તેનાથી જ તેમનું સાહિત્ય નિખરી રહ્યું છે. તેમણે ઉમેર્યુ કે, ડો. મહેતાની કલમે કંડારવામાં આવેલા લેખન દ્વારા ગુજરાતી અને હિન્દી ભાષા સમૃદ્ધ બની છે. ડો. કોહલીએ ઉમેર્યુ હતું કે, સાહિત્યનાં માધ્યમથી સમાજને શ્રેષ્ઠ દિશા તરફ વાળી શકાય છે.
સાહિત્ય અને સમાજ વચ્ચે ખૂબ ઊંડો સંબંધ છે. સાહિત્યકારના લેખનમાં પ્રચુરતા અને ગુણવત્તા હોવી જરૂરી છે. આ પ્રસંગે ડા. ચંદ્રકાન્ત મહેતાએ જણાવ્યું હતુ કે, હું રક્તથી રંગાયેલી કલમને બોળીને જીવનનું ભાથુ આપતો લેખક છુ. સમાજને વધુ સારી દિશા તરફ વાળી નવી રાહ ચિંધવાનો મારો પ્રયાસ રહ્યો છે. રાજભવન ખાતે યોજાયેલા આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ડો. મહેતાના પાંચ પુસ્તકોનું વિમોચન રાજ્યપાલ ઓપી કોહલીના હસ્તે કરવામાં આવ્યુ હતું. જેમાં તમે જ તમારા ભાગ્યવિધાતા, શિક્ષણની પ્રદક્ષિણા, જીવનપંથની પેથોલોજી, સંસારની ફોટોગ્રાફી અને અંતઃકરણની એન્જીઓગ્રાફીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે આયોજન પંચના ઊપાધ્યક્ષ નરહરી અમીન, ગુજરાત વિશ્વકોષના મુખ્ય સંપાદક પદ્મ ડા.કુમારપાળ દેસાઇ, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ચેરમેન ધિરેન્દ્રસિંહ તોમર, ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. હર્ષદભાઇ પટેલ, ગુજરાત યુનિવર્સિટીના ઉપ કુલપતિ જગદીશ ભાવસાર, ન્યુરોફિઝીશીયન ડો. સુધીર શાહ અને રન્નાદે પ્રકાશનના પ્રકાશક હંમેશભાઇ મોદી ઉપસ્થિત રહ્યા હતા.