ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ એ બોક્સ ઓફિસ પર આ વર્ષે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ કરીને, હિન્દી ફિલ્મો માટે સાધારણ સાબિત થઈ રહેલા આ વર્ષમાં આ ફિલ્મે અનેક ફિલ્મ મેકર્સને આશા આપી છે. આજે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની ટીમે ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાત લીધી હતી. આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને ફિલ્મ ડિરેક્ટર અયાન મુખર્જીએ ફિલ્મ વિશે અને આગામી પાર્ટની તૈયારી વિશે વાતચીત કરી હતી. અયાન છેલ્લા ૧૦ વર્ષથી આ ફિલ્મ પર કામ કરી રહ્યો હતો અને રણબીર અને આલિયા પણ ૬-૭ વર્ષથી આ ફિલ્મ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. અદભૂતવીએફએક્સના કારણે નિર્દેશક અયાનના વિઝનના વખાણ થઈ રહ્યા છે. અયાને આ વિશે કહ્યું હતું કે, હું છેલ્લા ઘણાં સમયથી આ પ્રોજેક્ટ પર વિચારી રહ્યો હતો. આપણા ધર્મ અને સંસ્કૃતિમાં અનેક અનોખી વાતો છે, જે એક સમય થઈ ચૂકી છે. જો આજ વાતને ટેક્નોલોજીના સમન્યથી દર્શકો સામે રજૂ કરી શકાય છે તે વાત મને ખબર હતી.
જો હોલિવૂડ કાલ્પનિક પાત્રોની સાથે એવેન્જર્સ જેવી સિરીઝ ઊભી કરી શકે તો આપણે કેમ નહીં? પહેલી વાર એક નવા જોનરમાં અને અલ્ટ્રા પાવર અવતારમાં નજર આવેલા રણબીરે કહ્યું હતું કે, પહેલા તો ઘણું બધું અજુક્તું લાગતું હતું કેમ કે, વીએફએક્સ તો શૂટિંગ થયા પછી જ એડ થવાના હતા અને અયાન અમને એક્શન કહે એટલે અમે ફેશિયલ એક્સપ્રેશનની સીન મુજબ બોડી મુવમેન્ટ કરતાં હતા. તેના કારણે અનેક રીટેક સાથે એક સીન પૂરો થતો હતો પરંતુ અયાને શાનદાર વીએફએક્સ સાથે ફિલ્મને વધુ ભવ્ય બનાવી છે. ભારતીય સિનેમામાં આજ પહેલા આટલી સરસ વીએફએક્સ ઈફેક્ટ જોવા મળી નથી. અનેક વિવેચકોની સાથે મોટાભાગની ઓડિયન્સે પણ કહ્યું છે કે, ‘બ્રહ્માસ્ત્ર’માં વીએફએક્સ ઈફેક્ટ ખૂબ જ સરસ છે પરંતુ ફિલ્મના ડાયલોગ સારા નથી. આ વિશે અયાને કહ્યું હતું કે, સ્ટોરી અને સ્ક્રીનપ્લેની સાથે ફિલ્મના ડાયલોગ પણ મેં હુસૈન દલાલ સાથે લખ્યા છે. આ કોમેન્ટ ઘણાં લોકો કરી રહ્યા છે અને મેં તે વાતને ધ્યાનમાં લીધી છે. ફિલ્મ વિશે આવેલ દરેક પ્રતિસાદ પર અમે ફોકસ કરવાના છીએ અને તેના માટે મેં મારી ટીમને આખી ફાઈલ તૈયાર કરવાનું પણ કહી દીધું છે. જેથી, આગામી ભાગમાં અમે તેવી ભૂલ ન કરીએ.
રણવીરે આ વાતમાં સૂર પૂરાવતાં કહ્યું હતું કે, મેં ફિલ્મ વિશેના ઘણાં મીમ્સ જોયા છે અને હું અને આલિયા તેની પર ખૂબ હસીએ છીએ પણ ફિલ્મ વિશેના નેગેટિવ પોઈન્ટ પર અમે ચોક્કસ કામ કરીશું. ફિલ્મના વિરોધ વિશે પૂછાયેલા સવાલમાં અયાન મુખર્જીએ કહ્યું હતું કે, અમે હંમેશા પોઝિટિવ રહીને જ આગળ ચાલ્યા છીએ. જે થશે એ સારું થશે અને જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, તે માનસિકતા જ રાખીને અમે ફિલ્મને બનાવી છે. અયાનને અટકાવતા આલિયાએ કહ્યું હતું કે, અમે ત્રણેયએ નક્કી કર્યું હતું કે, બધી પોઝિટિવ વાત જ કરવાની છે. વિરોધ કરતા લોકોએ મૂવી રિલીઝ થયા પહેલા જ વિરોધ શરુ કરી દીધો હતો પરંતુ દર્શકોએ અમને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને અમારી ફિલ્મના બોક્સ ઓફિસના આંકડા ઘણું બધું પૂરવાર કરી દે છે.