અમદાવાદ શહેરના છેવાડે આવેલા લાંભા વિસ્તારમાંથી બોગસ ડોક્ટરો ઝડપાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા એક જ દિવસમાં ૧૦ જેટલા બોગસ ડૉક્ટરો ઝડપી તેમની સામે કાર્યવાહી કરી છે. લાંભા વિસ્તારમાં રંગોલીનગર, હાઈફાઈ ચાર રસ્તા, લક્ષ્મીનગર જેવા વિસ્તારમાં બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો મળી હતી. જેના આધારે ચેકિંગ કરવામાં આવતા ૧૦ જેટલા ડોક્ટરો ઝડપાયા હતા તે તમામની સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરી અને પોલીસને જાણ કરવામાં આવી છે.
દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિપક ત્રિવેદીએ આમ મામલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના છેવાડે આવેલો લાંભા વિસ્તાર ૫૦ કિલોમીટરની આસપાસનો વિસ્તાર છે આ વિસ્તારમાં મોટાભાગે પરપ્રાંતિય અને ગરીબ વર્ગના લોકો રહે છે. કેટલાક બોગસ ડોક્ટરો બની અને ક્લિનિક ખોલી આ વિસ્તારમાં રેતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે જેના આધારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને રંગોલીનગર, લક્ષ્મીનગર, નારોલ, હાઇફાઇ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં આવા બોગસ ડોક્ટરો અંગેની ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ જેટલા ડોક્ટરો બોગસ પ્રેક્ટિસ કરતા મળી આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ડોક્ટરો પાસે તપાસ કરતા તેમની પાસે જે નિયત ડિગ્રી હોવી જોઈએ તે ડિગ્રી મળી આવી ન હતી આ વિસ્તારમાં ગરીબ અને અભણ પ્રજા રહે છે. જેથી આવા લોકો બોગસ ડોક્ટર બની અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હતા. હાલમાં નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આવા બોગસ ડોક્ટરો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને હજી પણ લાંબા વિસ્તારમાં કેટલાક બોગસ ડોક્ટરો હોવાનું સામે આવ્યું છે જેમના ચેકિંગ કરવામાં આવશે.