અમદાવાદ : ચોટીલાના આણંદપુર ખાતે એક ઘરમાં ટીવીમાં બ્લાસ્ટ થતા ઘરના ચીથરા ઉડી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી અને માતા-પુત્રી ભડથું થઇ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આગના બનાવ વખતે માતા-પુત્રીને બચાવવાનો પ્રયાસ કરનાર જેઠાણી પણ દાઝી ગયા હતા, તેણીને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આનંદપુર ગામે ટીવીમાં બ્લાસ્ટ થવાના કારણે લાગેલી આગમાં ઘરમાં રહેલા માતા અને તેની નવ મહિનાની પુત્રી ભડથુ થઇ જવાની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના આણંદપુર ખાતે માતા-પુત્રી ઘરમાં સૂતા હતા એ સમયે ટીવીમાં બ્લાસ્ટ થયો હતો. શુક્રવારે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં ગ્રામજનો આગને કાબૂમાં લે એ પહેલા જ માતા-પુત્રી આગમાં એટલી હદે સપડાઇ ગયા હતા કે, થોડીવારમાં જ ઘરમાં પ્રસરી ગયેલી આગમાં ભડથું થઇ ગયા હતા. આ ઘટનામાં માતા રંજનબેન અશોકભાઈ વાઘેલા અને તેમની ૯ માસની પુત્રી બંસી અશોકભાઈ વાઘેલાનું મોત નીપજ્યું હતું.
આગના સમયે માતા-પુત્રીને બચાવવાનો પ્રયાસ કરનાર જેઠાણી પણ દાઝી ગઇ હતી, જેથી તેને રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘરમાં શોર્ટ સર્કિટના કારણે ટીવીમાં બ્લાસ્ટ થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જા કે, આગ લાગવાનું કારણ જાણવા હવે પોલીસ અને સત્તાવાળાઓએ ફોરેન્સિક તપાસ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે અને આ માટે એફએસએલની મદદ લેવાઈ છે.