ઉત્તર પ્રદેશ અને બિહારની પેટા-ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા જે ભાજપ માટે ટેન્શન વધારી દેનારા છે. ઉત્તર પ્રદેશમા મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનની બેઠકો સાચવવામાં નિષ્ફળ રહેલા ભાજપે સતત ત્રીજી પેટા-ચૂંટણીમાં હારની હેટ્રીક નોંધાવી છે. અગાઉ રાજસ્થાનમાં પ્રથમ ફેબ્રુઆરીએ લોકસભાની બે અને વિધાનસભાની એક બેઠક પર ભાજપને પ્રચંડ બહુમતીથી હાર્યું હતું. તે પછી 28 ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશની પેટા-ચૂંટણીમાં ભાજપનો પરાજ્ય થયો હતો. રાજસ્થાન અને મધ્યપ્રદેશ પછી ઉત્તર પ્રદેશની પેટા-ચૂંટણીમાં ભાજપની હાર કેન્દ્રની આવનારી ૨૦૧૯ની ચૂંટણી પર ચોક્કસ પ્રભાવ પાડશે. કારણ કે ત્રણેય રાજ્યોમાં ભાજપની જ સરકારો છે.
બિહારમાં અરરિયા લોકસભા બેઠક અને જહાનાબાદ વિધાનસભા બેઠક પર રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)નો વિજય થયો છે. જોકે બીજી બાજુ ભભુઆ બેઠક પર ભાજપને સફળતા મળી છે.
2014ની લોકસભાની ચૂંટણીઓ પછી યોજાયેલી પેટા-ચૂંટણીઓમાં માત્ર ગુજરાતના વડોદરા અને મધ્યપ્રદેશના શહડોલ લોકસભાની બેઠકો પર ભાજપ સફળતાને વરી હતી. પરંતુ પાંચ બેઠકો પર પણ ભાજપની હાર થઈ છે. આ પાંચેય બેઠક અગાઉ ભાજપ પાસે હતી. પેટા-ચૂંટણીઓમાં ભાજપની હારનો આરંભ પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠકની પેટા-ચૂંટણીથી શરૂ થયો છે. આ બેઠક ભાજપના વિનોદ ખન્ના પાસે હતી, પરંતુ તેમના નિધન પછી યોજાયેલી પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના સુનીલ જાખડનો વિજય થયો હતો.
2018માં રાજસ્થાનના અલવર અને અજમેર બેઠકો કોંગ્રેસે આંચકી લીધી હતી. હવે ઉત્તર પ્રદેશની ફુલપુર અને ગોરખપુર બેઠકો પર સમાજવાદી પાર્ટીએ પચાવી પાડી છે. આ પેટાચૂંટણીઓના પરિણામો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ચોક્કસ વિપરીત અસર ઉભી કરશે એવું જણાઈ રહ્યું છે.