અમદાવાદ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જા અપાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તથા કેન્દ્ર સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, દેશના પછાત વર્ગના કરોડો રૂપિયા લોકોને ન્યાય અપાવવા તેમજ તેમને વિકાસપથ પર આગળ વધારવાના પોતાના વચનને પ્રધાનમંત્રીએ પૂર્ણ કર્યું છે. સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે પછાત વર્ગોના વિકાસ માટેનું આ એક ઐતિહાસિક પગલું છે.
વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષો સુધી કેન્દ્રમાં સત્તા પર રહેલી કોંગ્રેસે ગરીબોના નામે મત લઇ માત્ર જાતિવાદની રાજનીતિ કરી પરંતુ દેશના પછાત તેમજ ગરીબ વર્ગના કલ્યાણ માટે કશુંય કર્યું નહીં. પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જા આપતું આ બિલ ગયા વખતે લોકસભામાં પસાર થયેલ હતું પરંતુ કોંગ્રેસની મેલી મુરાદને લીધે રાજ્યસભામાં આ બિલ પસાર થઇ શક્યું નહોતુ. કોંગ્રેસની હંમેશાની આ નીતિ-રીતિ રહી છે.
૧૯૫૫માં કાકા કાલેલકર સમિતિનું ગઠન થયું ત્યારથી દેશના ગરીબ તેમજ પછાત વર્ગોની આ માંગ હતી પરંતુ કોંગ્રેસની સરકારોએ ગરીબ અને પછાત સમાજાની ભલાઈ માટે ક્યારેય કોઇ નક્કર કાર્ય કર્યું નહીં. વાઘાણીએ જણાવ્યું હતું કે, સમતામૂલક સમાજનું નિર્માણ એ ભાજપની હમેશાથી પ્રતિબદ્ધતા રહી છે. સમાજના છેવાડાના માનવીનો વિકાસ એ ભાજપનું લક્ષ્ય રહ્યું છે. હવે આ બિલ રાજ્યસભામાં પણ પસાર થઇ જવાથી રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને સંવૈધાનિક દરજ્જા પ્રાપ્ત થયો છે.
આ આયોગ પછાત વર્ગોના સંરક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કાર્યરત રહેશે તેમજ સામાજિક તથા શૈક્ષણિક પછાત વર્ગોને સશક્ત બનાવી તેમને ન્યાય અપાવવાનું કાર્ય કરશે. વાઘાણીએ ગુજરાત ભાજપના સૌ કાર્યકરો તથા સામાજિક સંસ્થાઓને આહવાન કરતા કહ્યું હતું કે, બધા વર્ગોના સન્માનપૂર્વક, ગરીમાપૂર્વક અને સોહાર્દપૂર્વક જીવન નિર્વાહ માટેના આ મહત્વપૂર્ણ એવા રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ બાબતે ઉપયોગી જાણકારી ગુજરાતના તમામ વિસ્તારોના ગરીબ તથા પછાત વર્ગોને પહોંચાડી તેમના જીવન ઉત્થાનમાં સહભાગી બની નવા ભારતના નિર્માણની સંકલ્પનાને સાકાર બનાવીએ.