મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે અંદાજ વ્યક્ત કરતા કહ્યું છે કે, ભાજપ અને શિવસેના આગામી લોકસભાની ચૂંટણીમાં સાથે મળીને ચૂંટણી લડી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આ બંને પાર્ટી એક સાથે ન આવે પરંતુ લોકસભાની ચૂંટણીમાં આ બંને પાર્ટીઓ સાથે રહેશે. બંને ચૂંટણી એક સાથે યોજવાની શક્યતાને ફગાવતા તેમણે કહ્યું હતું કે, હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.
કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાને લઇને શક્યતા ચકાસી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજવાને લઇને સંકેત આપ્યા હતા. મોદીના સંકેત બાદ આના પર વ્યાપક ચર્ચા થઇ હતી. મોદીએ એમ પણ કહ્યું હતુ કે, એક સાથે ચૂંટણી યોજવાની સ્થિતિમાં નાણાંની બચત થશે. પવારે કહ્યું હતું કે, ભાજપ અને શિવસેના લોકસભા ચૂંટણી માટે હાથ મિલાવી શકે છે પરંતુ એવું બની શકે છે કે, રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે બંને પાર્ટી એકમત ન થાય. કેન્દ્ર અને રાજ્યમાં સત્તામાં ભાગીદાર હોવા છતાં ભાજપ અને શિવસેના વચ્ચેના સંબંધો હંમેશા તંગદિલીપૂર્ણ રહ્યા છે.
શિવસેનાએ આ પહેલા સંકેત આપ્યો હતો કે, ૨૦૧૯ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી તે એકલા હાથે લડશે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણીને લઇન ેચિત્ર સ્પષ્ટ નથી. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું છે કે, ૩૧મી ઓક્ટોબર પહેલા બેઠકોની વહેંચણીને લઇને નિર્ણય થઇ જાય તે જરૂરી છે. પ્રચાર માટે આના કારણે વધુ સમય મળી શકે છે.
પવારના નિવેદન બાદ આ અંગે પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવાણે કહ્યું છે કે, તેમના એવા પ્રયાસ છે કે, બેઠકોની વહેંચણીને લઇને વહેલી તકે નિર્ણય લઇ લેવામાં પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮સીટો છે. એનસીપી દ્વારા કોંગ્રેસની સામે ૨૫ સીટોની માંગ કરવામાં આવી છે. શુક્રવારના દિવસે બંને પાર્ટીઓની બેઠકમાં મહારાષ્ટ્રમાં દુષ્કાળની સ્થિતિ ઉપર ચર્ચા કરવાં આવી હતી. ત્યારબાદ બેઠકોની વહેંચણીને લઇને પણ ચર્ચા થઇ છે. ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણીમાં પણ બંને પાર્ટી વચ્ચે કોઇ સમજૂતિ થઇ શકી ન હતી. આખરે બંને પાર્ટીઓએ જુદી જુદી રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પોતપોતાનીરીતે ગણતરી કરી રહ્યા છે ત્યારે શિવસેના અને ભાજપ વચ્ચે સંબંધો કેવા રહેશે તેને લઇને તમામની નજર રહેશે.