મેરઠઃ વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા આક્રમક તૈયારી હાથ ધરવામાં આવી છે. પ્લાન-૬૧ હેઠળ મોદી સરકારે વિશેષ તૈયારી કરી છે. પ્લાનના આવા ૬૧ હથિયારથી યુપીમાં ૭૫ મંત્રીના બળ પર ભાજપ ૭૩ પ્લસના પોતાના ટાર્ગેટ સાથે આગળ વધવા માટે તૈયાર છે. ભાજપે આના માટે જારદાર તૈયારી કરી છે.
ભાજપના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી મોડમાં જમીન ઉપર પાર્ટીની જાળ બિછાવવા માટે તૈયાર થઇ ગયા છે. હાલમાં યોજાયેલી ભાજપ ઉત્તરપ્રદેશ કારોબારી બેઠકમાં ચૂંટણી પાસા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપ પ્રમુખ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર તરફથી આ અધિકારીઓ માટે ૬૧ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે જે પ્રજાની સમસ્યા સાથે જોડાયેલા મુદ્દાને રજૂ કરશે.
મુખ્યમંત્રીએ લખનૌમાં અનેક વરિષ્ઠ અધિકારીઓને અલગ અલગ જિલ્લામાં નોડલ અધિકારીઓ તરીકે નિમી દીધા છે. તેમને દરેક બીજા સપ્તાહમાં ક્ષેત્રમાં જઇને જનતાના ફીડબેક લેવા અને આને સરકારને સોંપવા માટે કહેવામાં આવ્યું છે. સરકાર તરફથી આ અધિકારીઓ માટે ફિક્સ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે. આ તમામની સાથે યોગી સરકારમાં રહેલા તમામ પ્રભારી મંત્રીઓની પણ જુદી જુદી જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રભારી મંત્રીઓને પોતાના સંબંધિત જિલ્લાઓમાં જઇને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. વિકાસ યોજનાઓ અને શિક્ષણ, આરોગ્ય જેવી યોજનાઓની સમીક્ષા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. મંત્રીઓને આ યોજના સાથે સંબંધિત રિપોર્ટને સીધીરીતે મુખ્યમંત્રી ઓફિસમાં મોકલવા માટે કહેવામાં આવ્યું છે.