કોલકત્તા : લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ તમામ રાજકીય પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. એકબીજાને પછાડવા માટે નવી રણનીતિ પણ અપનાવી રહ્યા છે. આના ભાગરુપે પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીમાં ગાબડા પાડવા માટે ભાજપે વ્યૂહરચના અપાવી છે. મળેલી માહિતી મુજબ ટીએસી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં સામેલ થઇ શકે છે. કેટલાક નેતાઓ સાથે વાતચીત પણ થઇ ચુકી છે. પશ્ચિમ બંગાળના ભાજપના નેતા મુકુલ રોયની વિદ્યાનગરના મેયર સબ્યસાચી દત્તા, પૂર્વ કોંગ્રેસી પ્રદેશ અદ્યક્ષ અદીર ચૌધરી તેમજ પૂર્વ મેયરના નજીકના રહેલા બૈસાખી બેનર્જી સાથે વાતચીતથી રાજકીય ગરમી વધી ગઇ છે.
ભાજપની અંદર અને બહાર આ મુલાકાતને લઇને જારદાર પ્રતિક્રિયા આવી રહી છે. તૃણમુળ કોંગ્રેસે આને લઇને ભાજપ પર પ્રહારો કર્યા છે. તૃણમુળ કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે ભાજપ દ્વારા જાણી જાઇને શંકાની સ્થિતી ઉભી કરવામાં આવી રહી છે. બીજી બાજુ કોંગ્રેસના નેતા અધીર ચૌધરીએ કહ્યુ છે કે ભાજપના અભિયાનમાં કોઇ દમ નથી. તમામ જાણકાર લોકોના કહેવા મુજબ દત્તાના આવાસ પર ભાજપના નેતા મુકુલ રોય અને તેમની બેઠક થઇ હતી. ત્યારબાદથી એવી અટકળો ચાલી રહી છે કે દત્તા ભાજપમાં સામેલ થઇ શકે છે. ટીએમસી દ્વારા આ મુલાકાતને ગંભીરતા સાથે લીધી છે.
આના કારણે પાર્ટી કાર્યકરોની રવિવારે બેઠક પણ થઇ હતી. સાથે સાથે ટીએમસી સાંસદ ડોલા સેનને પણ દત્તાના આવાસ પર તેમને વાતચીત કરવા માટે મોકલી દેવામાં આવ્યા હતા. ઉપરાંત શહેરી વિકાસ પ્રધાન ફિરહાદ હાકિમે ધારાસભ્યો અને અન્યો સાથે બેઠક કરી છે. એમ પણ માનવામાં આવે છે કે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ બેઠકમાં જતા પહેલા દત્તાની સાથે વાતચીત કરી હતી. બંગાળમાં હાલમાં જારદાર રાજકીય ગરમી જામી છે. મુકુલ રોયે કહ્યુ છે કે તેમની દત્તાની સાથે પહેલાથી જ વાતચીત થઇ ગઇ છે. બંગાળમાં આ વખતે લોકસભાની ચૂંટણમાં મમતા બેનર્જીની પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી સ્પર્ધા થનાર છે.