લખનૌ : ઉત્તરપ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીથી પહેલા પૂર્વ કેન્દ્રિય પ્રધાન અનુપ્રિયા પટેલની પાર્ટી અપના દળ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ગઠબંધન તુટે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. કેન્દ્ર બાદ રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ કરતી વેળા અપના દળની અવગણના કરવામાં આવી હતી. ત્યારબાદથી જ એવી અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે કે બંને પાર્ટી વચ્ચે ગઠબંધનનો હવે અંત આવી જશે. ભારતીય જનતા પાર્ટી હવે પોતાના સાથી પક્ષન વધારે મહત્વ આપવાના મુડમાં દેખાઇ રહી નથી. પેટાચૂંટણીમાં ભાજપ અપના દળના ખાતાની પ્રતાપગઢ સદર સીટ સહિત તમામ ૧૧ સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખવાની યોજના ધરાવે છે. જો કે અપના દળ કોઇ પણ કિમતે ભારતીય જનતા પાર્ટીને પ્રતાપગઢ સદર સીટ આપવા માટે તૈયાર નથી.
આવી સ્થિતીમાં જો પ્રતાપગઢ સદર સીટ પર ભાજપની જીત થઇ જશે તો અને પોતાના ઉમેદવારને જો ભાજપ જાહેર કરશે તો તેમની વચ્ચે સંબંધોનો અંત આવી જશે. પાર્ટીના સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો હાલમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આવાસ પર મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. જેમાં એવો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે કે પેટાચૂંટણીમાં ભાજપ પ્રતાપગઢ સદર સીટ પર પોતાના ઉમેદવારને જ મેદાનમાં ઉતારનાર છે. બેઠકમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉપરાંત ભાજપના પ્રદેસ અધ્યક્ષ સ્વતંત્ર દેવસિંહ પણ હાજર રહ્યા હતા. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ અપના દળને ૧૧ સીટો આપી હતી. જેમાં પ્રતાપગઢની સીટનો સમાવેશ થાય છે.
પેટાચૂંટણી માટેની તૈયારીમાં તમામ પક્ષો લાગેલા છે. ૨૧મી ઓક્ટોબરના દિવસે યોજાનાર પેટાચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષો તમામ પ્રકારની તૈયારીમાં વ્યસ્ત છે. કોંગ્રેસ પાર્ટી પણ પોતાની નવી વ્યુહરચના મુજબ આગળ વધી રહી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા તમામ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પેટાચૂંટણીમાં ઉત્તરપ્રદેશની ૧૧ વિધાનસભા સીટો પર મતદાન યોજાનાર છે.
આ તમામ સીટો પર કોંગ્રેસ પાર્ટી એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરી રહી છે. હવે એક એવી ચોંકાવનારી માહિતી મળી છે કે ઉત્તરપ્રદેશમાં પ્રભારી તરીકેની મોટી જવાબદારી હોવા છતાં પ્રિયંકા ગાંધી વાઢેરા કોંગ્રેસના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરનાર નથી. અત્રે નોંધનીય છે કે ૧૭ રાજ્યોમાં ૬૪ સીટો પર પેટાચૂંટણી યોજાનાર છે. જેમાં કુલ ૬૩ વિધાનસભા સીટો અનવે એક લોકસભા સીટનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણી યોગી આદિત્યનાથ માટે પણ ઉપયોગી બનનાર છે. ભારતીય જનતા પાર્ટી તૈયારીમાં હાલમાં સૌથી આગળ દેખાઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં તમામ પક્ષો વચ્ચે સ્પર્ધા છે.