મધ્ય પ્રદેશના સીધી જિલ્લામાં ભાજપના એક પ્રમુખ નેતાની મહિલા ભાજપ નેતા સાથે દુષ્કર્મ કરી પૈસા પડાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી નેતા અજીતપાલ સિંહ ચૌહાણ સામે મહિલાએ 13 જાન્યુઆરીએ એફઆઈઆર નોંધાવી હતી. ઘટના બાદ ભાજપે તેને તુરંત પાર્ટીમાંથી કાઢી મૂક્યો હતો. પોલીસ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ, ભાજપની મહિલા નેતાએ આરોપ લગાવ્યો છે કે, અજીતપાલ સિંહે તેને પાર્ટીમાં ટિકિટ આપવાનું વચન આપ્યું અને બાદમાં દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ આરોપ લગાવ્યો કે, આરોપીએ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો અને તેનો ઉપયોગ મને ધમાકાવી પૈસા પડાવવા માટે કરતો હતો. ત્યારબાદ આરોપીએ મારા પતિને મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
પોલીસે એફઆઈઆરના આધારે આરોપી અજીતપાલ સિંહ ચૌહાણ સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી સામે દુષ્કર્મ, ધમકી અને પૈસા પડાવવાની ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની મંગળવારે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ મામલો સામે આવ્યા બાદ, ભાજપે કાર્યવાહી કરતા અજીતપાલ સિંહ ચૌહાણની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. સીધી જિલ્લાના ભાજપ અધ્યક્ષ દેવ કુમાર સિંહે આ વિશે વાત કરતા જણાવ્યું કે, પાર્ટી આ પ્રકારની ઘટનાને ગંભીરતાથી લેછે અને આરોપીને પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી તેને નિષ્કાસિત કરવામાં આવ્યો છે.