અમદાવાદ : ગઇકાલે હનુમાનજયંતિ નિમિતે શહેરના ગુરૂકુળ રોડ પર મેમનગર વિસ્તારના સુભાષ ચોક ખાતેના સુપ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે સેંકડો શ્રધ્ધાળુઓની ભારે ભીડ અને ધસારા વચ્ચે ભાજપના નેતાઓ અને મહાનુભાવોએ પણ દાદાના દર્શન અને આરતી માટે ઉમટયા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સારા દિવસે કે દિવાળી-બેસતા વર્ષ જેવા વાર-તહેવારે સુભાષ ચોક સ્થિત આ ભીડભંજન હનુમાનજી મંદિરે અચૂક દર્શન કરવા આવતા હોય છે ત્યારે ગઇકાલે પણ અમિત શાહ અહીં દર્શન માટે આવવાના હતા પરંતુ તેમનાથી આવવું શકય નહી બનતાં તેમની આ પરંપરા તેમના પુત્ર જય શાહે જાળવી રાખી હતી, અમિત શાહનો પુત્ર જય શાહ તેમના મિત્ર વર્તુળ સાથે ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ખાસ દર્શનાર્થે આવ્યા હતા. ભારે ભીડ અને ભકતોના ધસારા વચ્ચે પણ જય શાહે પોતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર હોવાના કોઇ પણ ઠાઠ, અભિમાન કે વીઆઇપી આગતાસ્વાગતા વિના એકદમ સરળતા અને સહજતા સાથે એક સામાન્ય નાગરિકની જેમ જ દાદાના દર્શન કર્યા હતા અને ભીડભંજન હનુમાનજી મંદિરની હનુમાનજયંતિની ઉજવણી બદલ મંદિરના ટ્રસ્ટી અને ભાજપના અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી કમલેશભાઇ બ્રહ્મભટ્ટની કામગીરીને બિરદાવી હતી.
તો અમિત શાહના પુત્ર જય શાહની જેમ જ ભાજપના અન્ય નેતાઓ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ, ઘાટલોડિયાના ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ પટેલ, ગોતાના બિપીનભાઇ પટેલ, દેવાંગ દાણી, દિપ્તીબહેન અમરકોટિયા, હરદ્વારથી મહામંડલેશ્વર રાજેન્દ્રગીરીજી મહારાજ સહિતના મહાનુભાવો ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા. જો કે, ભાજપના નેતાઓ દ્વારા ભીડભંજન હનુમાનજી મંદિરના દાદાના દર્શન માટેની મુલાકાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલની હાજરી નોંધનીય અને સૂચક રહી હતી. જય શાહે તો દાદાના દર્શન કરી પૂજારી પાસેથી દાદાનો દોરો પણ બંધાવ્યો હતો.
મંદિરના ટ્રસ્ટી અને ભાજપના અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારના બક્ષીપંચ મોરચાના પ્રભારી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જય શાહ, ઋત્વિજ પટેલ, ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનું આદર સાથે સ્વાગત કર્યું હતું. ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે તો ભીડભંજન હનુમાનજી દાદાની આરતી પણ ઉતારી હતી. ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના ધાર્મિક પ્રસંગને ભવ્ય અને સફળ બનાવવા માટે મહેન્દ્ર ચાવડા, ગીરીન મહેતા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. હનુમાનજયંતિને લઇ ભીડભંજન હનુમાનજી મંદિર અને તેની આસપાસના સમગ્ર વિસ્તારને ઝળહળતી રંગબેરંગી લાઇટો અને રોશનીથી જારદાર રીતે શણગારાયું હતુ. તો, દાદાને પણ ભવ્ય સાજ-શણગાર કરવામાં આવ્યો હતો. સાથે સાથે દર્શનાર્થે આવેલા સેંકડો શ્રધ્ધાળુ ભકતો માટે મંદિર ટ્રસ્ટ તરફથી ખાસ ભંડારા અને પ્રસાદનું આયોજન પણ કરાયું હતું. મોડી રાત સુધી ભાજપના નેતાઓ અને શ્રધ્ધાળુ ભકતોએ મોડી રાત સુધી દાદાના દર્શન માટે લાઇનો લગાવી હતી.