અમદાવાદ : ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક કૌભાંડમાં પોલીસે આજે ભાજપના મહામંત્રી જયેન્દ્ર રાવલની અટકાયત કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. આ સાથે ગાંધીનગર સેકટર-૭ પોલીસે આરોપી મુકેશ ચૌધરીના ભાઇ સંદીપ ખડક, પ્રીતેશ પટેલ, નવાભાઇ વાઘડિયા, ભરત ચૌધરી સહિત દસ આરોપીઓની અટકાયત કરી છે. બીજીબાજુ, પોલીસે ગઇકાલે ધરપકડ કરાયેલા અને દસ દિવસના રિમાન્ડ મેળવાયેલા ભાજપના બે અગ્રણી મનહર પટેલ, મુકેશ ચૌધરી, ગાંધીનગરની શ્રી રામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્મા અને વાયરલેસ પીએસઆઇ પી.વી.પટેલની ગાંધીનગર સિવિલ હોÂસ્પટલ ખાતે મેડિકલ ચેક અપની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.
પેપર લીક કૌભાંડમાં ભાજપના બે અગ્રણી મનહર પટેલ અને મુકેશ ચૌધરીની સંડોવણી સામે આવતાં ભાજપ સરકાર પર માછલા ધોવાયા હતા, ત્યાં આજે વધુ એક ભાજપના મહામંત્રી જયેન્દ્ર રાવલનું નામ ખૂલતાં તેની અટકાયત કરાઇ હતી. અરવલ્લી ભાજપ દ્વારા જયેન્દ્ર રાવલને તાત્કાલિક અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો. આમ, પેપર લીક કૌભાંડમાં ભાજપના નેતાઓ અને આગેવાનોના નામો ખૂલતાં ભાજપની પ્રતિષ્ઠાને બહુ મોટુ નુકસાન થયું છે. ખાસ કરીને પક્ષની ઇમેજ ખરડાતાં કેન્દ્રીય મોવડીમંડળ પણ ભારે નારાજ થયું છે અને હવે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવામાં પડયું છે. ભાજપ સરકાર પર આ સમગ્ર મામલે જારદાર સલવાઇ છે અને જબરદસ્ત ચિંતામાં ગરકાવ બની છે. લોકરક્ષક દળના પેપરની આન્સર કી મનહર પટેલ મોકલવાનો હતો અને પેપર વેચવાનું કામ હોસ્ટેલમાંથી થતું હતું.
આ કેસના આરોપી એવા ગાંધીનગર એસપી કચેરીના સસ્પેન્ડેડ વાયરલેસ પીએસઆઇ પી.વી.પટેલ અને બાયડના અરજણવાવનો રહેવાસી આરોપી મનહર પટેલ સંબંધી છે અને એક જ સમાજના છે. પટેલે પોતાના બે સગા માટે આન્સર કી મેળવવાની હતી જ્યારે અન્ય આરોપી મુકેશ ચૌધરી પણ તેમના જ સમાજનો છે જે ઉમેદવાર તરીકે પરીક્ષા આપી રહ્યો હોવાથી આન્સર કી મેળવવા માટે આ બંનેનો સંપર્ક કર્યો હતો. આમ આન્સર કી પહોંચાડવાની જવાબદારી મનહરની હતી અને પેપર શ્રીરામ હોસ્ટેલમાંથી લીક થતા હતા. જા કે, આન્સરસીટમાં અક્ષર કોના તે હજુ સુધી નથી જાણી શકાયું. પોલીસ આ મામલે એફએસએલની મદદ લઇ રહી છે.
દરમ્યાન આજે આ સમગ્ર કૌભાંડમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા ૧૦ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે અને સઘન પૂછપરછ હાથ ધરી છે. આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી હજુ નાસતો ફરતો છે અને પોલીસ તેના સુધી પહોંચી શકી નથી. મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ લોકરક્ષક દળની પરીક્ષા પહેલાં દિલ્હી ગયો હતો અને ત્યાંથી પેપર-જવાબો લઇ ફલાઇટ મારફતે સીધો વડોદરા આવ્યો હતો. પોલીસે તેના મોબાઇલ લોકેશન, વોટ્સ એપ, સ્થાનિક અને બહારગામના સંપર્કો સહિતની વિવિધ લીંક મારફતે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.