અમદાવાદ: લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર સક્રિય થઇ ગયા છે. વાઘેલાએ આજે મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. મોદી સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વડાપ્રધાન બન્યા ત્યારે અનેક વચનો આપવામાં આવ્યા હતા. મોદી દ્વારા આપવામાં આવેલા વચનો અંગે માહિતી આપવામાં આવે તે જરૂરી છે. શંકરસિંહ વાઘેલાએ આજે દિલ્હીમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.
તેમણે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મોદી સરકારે ૪.૫ વર્ષના કામકાજનો હિસાબ આપવો પડશે. બાપુએ કહ્યું કે, તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી વડાપ્રધાન બન્યા ત્યારે અનેક વાયદાઓ કર્યા હતા. તો હવે તેમાંથી કેટલા વાયદાઓ પૂરા કર્યા છે તેનો હિસાબ આપવો પડશે.
પત્રકારો સાથે વાત કરતા શંકરસિંહે ભાજપ સરકાર સિસ્ટમ વગર કામ કરે છે તેવો આરોપ લગાવ્યો હતો. આ સાથે કહ્યું કે, પારદર્શકતાની તો કોઈ વાત જ નથી. ૨૦૧૪માં તેમણે દેશમાં ૧૦૦ સ્માર્ટ સિટી બનાવવાની વાત કરી હતી. તેમાંથી કેટલા સિટી સ્માર્ટ બન્યા છે. મોદીએ સિસ્ટમ અને પારદર્શકતા સાથે કામ કરવાની વાત કરી હતી. પરંતુ આ સરકારમાં કોઈ પારદર્શકતા દેખાતી નથી. આ સાથે બાપુએ મોદીની મહત્વકાંક્ષી યોજના આયુષ્માન ભારત પર પ્રહારો કર્યા હતા. તેમણે અનેક મુદ્દે સરકારની ટીકા કરી હતી. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા બાપુએ અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, તેઓ તમામને સાથે લાવવા માટે કામ કરશે. કેન્દ્રની નિષ્ફળતાનો પ્રચાર કરશે.