ભાજપ સરકાર એ માટીખાઉં સરકાર : પરેશ ધાનાણી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભાજપ સરકાર માટીખાઉ સરકાર છે તેવો વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે જળસંચયના બહાને ભાજપ સરકારે હજારો બોરીબંધ બનાવ્યાં પણ આજેય એકેય બોરીબંધ હયાત નથી. આ જ સરકારે ચાર વર્ષમાં 4.16 લાખ બોરીબંધ બાંધી રૂ. 400 કરોડની ખાયકી કરી છે.

એટલું જ નહીં, હજારો ખેત તલાવડી, સીમતલાવડી ય માત્ર કાગળ પર બની છે, આનુ પણ  લાખો રુપિયાનું કૌભાંડ આચરાયુ છે. તેમણે સમગ્ર બોરીબંધ,સીમ તલાવડી,ખેત તલાવડી કૌભાંડની તપાસની માંગ કરી છે. મનરેગા યોજનામાં બોરીબંધ એ કાયમી સ્ટ્રકચર તરીકે સ્વિકારાયુ નથી તેમ છતાંય ભાજપ સરકારે લાખો બોરીબંધ બાંધીને બારોબાર નાણાં વાપર્યા છે.

ધાનાણીએ એવો આક્ષેપ કર્યો છે કે, એક બોરીબંધ બાંધવા માટે સરકારે રૂ.724થી માંડીને રૂ.20175 સુધીનો ખર્ચ કર્યો છે. વર્ષ 2009માં બોરીબંધ અંગે કરાયેલાં એક સર્વેમાં એવી વિગતો બહાર આવી છેકે,85 ટકા બોરીબંધ ડેમેજ અવસ્થામાં છે. આજે એકેય બોરીબંધ હયાત નથી. માત્ર ફુટેલી તુટેલી કોથળીઓ પર સ્થળ પર પડી છે. આમ, સરકારે બોરીબંધના નામે રૂ. 400 કરોડનુ કૌભાંડ કર્યુ છે. આ સરકાર માટીખાઉ સરકાર છે.

Share This Article