ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે અને એકવાર ફરી ભાજપની સરકાર બનવા જઇ રહી છે. ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડયા છે અને કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો ભાજપે આંચકી લીધી છે. આવી જ અમદાવાદની દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખની હાર થઇ છે, જ્યારે ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે. અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર ૧,૨૪,૬૯૬ વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર ૫૯.૪૦ ટકા મતદાન થયું હતું.
દરિયાપુર બેઠક પર કુલ ૨,૦૯,૯૦૯ મતદારો છે. જેમાં ૧,૦૭,૫૯૭ પુરુષ મતદારો અને ૧,૦૨,૩૦૦ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ગત ૨૦૧૭ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. ૨૦૧૭માં આ બેઠક પર ૬૫.૧૬% ટકા મતદાન થયું હતું. જ્યારે ૬,૧૮૭ મતોથી કોંગ્રેસની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ ૨૦૧૨માં પણ આ બેઠક પર કોંગ્રેસનો કબ્જાે રહ્યો હતો. ૨૦૧૨માં આ બેઠક પર ૭૦.૬૬% ટકા મતદાન થયું હતું અને ૨,૬૨૧ મતોની લીડથી ભાજપે જીત હાંસલ કરી હતી.
કૌશિક જૈને પોતાના વિજય બાદ જણાવ્યું હતું કે હું મારા વિસ્તારમાં વિકાસના કામોને મહત્વ આપીશ.મારા વિસ્તારમાં મધ્યમ વર્ગના નાગરિકો રહે છે અને તેઓને સરકારી યોજનાઓનો લાભ મળે તેવા પ્રયાસો મારા રહેશે આ ઉપરાંત વિસ્તારના વિકાસના કામોને આગળ લઇ જઇશ.તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી કોંગ્રેસની જીત થતી આવતી હતી પરંતુ આ વખતે ભાજપે આ બેઠક આંચકી લીધી છે.મુસ્લિમ મતદારોએ પણ આ વખતે મને મત આપ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારને જાકારો આપ્યો છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારે પોતાની હાર બાદ જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ અને ગુંડાતત્વોએ કાવતરૂ રચીને મને હરાવ્યો છે.