અમદાવાદ : વિશ્વની સૌથી મોટી સભ્યસંખ્યા ધરાવતી પાર્ટી હોવાનો દાવો ભાજપનો કરી રહ્યું છે. ભાજપ છેલ્લાં પાંચ વર્ષથી કેન્દ્ર-રાજ્ય અને શહેરમાં સત્તાસ્થાને છે એટલે ચૂંટણીફંડના મામલે આ પાર્ટી સ્વાભાવિકપણે સધ્ધર ગણાય છે. જા કે, બે-ત્રણ દિવસ પહેલાં શહેરના મેયર સહિતના ૧૪ર પક્ષના કોર્પોરેટરોએ પાર્ટી ચલાવવા નાગરિકો પાસેથી ફંડફાળો એકત્ર કરીને વ્યક્તિગત રીતે રૂ. ૧ લાખથી પાંચ લાખ સુધીની રકમ પાર્ટીમાં જમા કરાવીને શહેર ભાજપને લોકસભાની ચૂંટણીની મોસમમાં રાહત પહોંચાડી હતી.
જા કે, ભાજપના કોર્પોરેટરો દ્વારા પાર્ટી ભંડોળ ઉઘરાવ્યાનો મુદ્દે લોકસભાની ચૂંટણી જાહેર થઇ ગઇ હોઇ હવે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. શહેરના મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને પક્ષ નેતા અમિત શાહનું નેતૃત્વ ધરાવતી ભાજપની હાલની ટીમ ગત ઓક્ટોબર-૨૦૧૫થી સત્તાસ્થાને છે. ભાજપની આ સતત ત્રીજી ટર્મ હોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પક્ષના કુલ ૧૪૨ કોર્પોરેટર છે. તાજેતરમાં મેયર બીજલબહેન પટેલ સહિતના ટોચના છ હોદ્દેદાર તેમજ સ્પેશિયલ અગિયાર કમિટીના ચેરમેનને ભાજપ હાઈકમાન્ડ દ્વારા લોકફાળામાંથી રૂ. પાંચ લાખ અને કોર્પોરેટરને રૂ. એક લાખ એકત્ર કરવાની સૂચના અપાઈ હતી. જે તે કોર્પોરેટર અને હોદ્દેદારને ફંડફાળો ચેકથી ઉઘરાવવાની તાકીદ કરીને જે તે રકમ ધરાવતી પહોંચ બુક પણ અપાઈ હતી. છેલ્લા કેટલાક દિવસથી નિર્ધાિરત રકમને એકઠી કરવા માટે કોર્પોરેટરો મહેનત કરતા હતા.
કોર્પોરેટરોએ ઉઘરાવેલી રકમ શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ વોટર સપ્લાય કમિટીના ચેરમેનને સુપરત કરાઈ છે. જા કે, આ અંગે શહેર ભાજપનાં સૂત્રોએ બચાવ કર્યો હતો કે, આ ફંડફાળો એકઠો કરવાની બાબતને લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સમર્પણનિધિ હેઠળ દર બે વર્ષે આ રીતે ફંડ ઉઘરાવાય છે.બીજી તરફ આચારસંહિતા અમલમાં મુકાતાં ગઈકાલ સાંજથી મેયર સહિતના ટોચના હોદ્દેદારો તેમજ અગિયાર સ્પેશિયલ કમિટીના ચેરમેને પોતાને ફાળવાયેલી ગાડીની ચાવી તંત્રને સુપરત કરી દીધી છે અને તમામ લોકો હવે આગામી લોકસભાની ચૂંટણીમાં પક્ષને જીતાડવા માટે સક્રિય પ્રયાસોમાં લાગી ગયા છે.