સરકાર બનાવવાની પાકિસ્તાન તરફથી સુચના મળી : ભાજપ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શ્રીનગર :  જમ્મુ કાશ્મીર વિધાનસભાને ભંગ કરવામાં આવ્યા બાદ રાજકીય આક્ષેપબાજીનો દોર વધારે તીવ્ર બની ગયો છે. ભાજપ નેતા રામ માધવે આક્ષેપ કરતા કહ્યુ છે કે નેશનલ કોન્ફરન્સ અને પીડીપીને સરહદ પારથી સરકાર બનાવવા માટેના આદેશ મળ્યા છે. માધવના આ નિવેદન બાદ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લા નારાજ થયા છે. ઉમરે આ આરોપો સાબિત કરવા માટે રામ માધવને ખુલ્લો પડકાર ફેંક્યો છે. કોંગ્રેસ, એનસી, પીડીપીએ બુધવારના દિવસે રાજ્યમાં મળીને સરકાર બનાવવા માટેનો દાવો કર્યો છે. જા કે રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરી નાંખી છે.

આ ઘટનાક્રમ પર ભાજપના રાષ્ટ્રીય સચિવ રામ માધવે કહ્યુ છે કે સરકાર બનાવવા માટે પાકિસ્તાન તરફથી આદેશ મળ્યો હોય તેમ લાગે છે. બીજી બાજુ ઉમર અબ્દુલ્લાએ આરોપો પુરવાર કરવા અથવા તો માફી માંગી લેવા માટે કહ્યુ છે. રામ માધવે કહ્યુ છે કે ભાજપે ક્યારેય સરકાર બનાવવા માટેની ઇચ્છા વ્યક્ત કરી નથી. અમે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ તેવા દાવા ક્યારેય અમે કર્યા નથી. તેમણે કહ્યુ હતુ કે આ પાર્ટીઓ રાજ્યમાં અનૈતિક ગઠબંધન કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યુ હતુ કે પીડીપી અને એનસી એ પાર્ટીઓ છે જે સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરી ચુક્યા ચે. તેમને સરહદ પારથી આ પ્રકારથી બહિષ્કાર કરવા માટેની સુચના મળી હતી.

 

 

Share This Article