અમદાવાદ : ચૂંટણી પંચ દ્વારા આજે જાહેર થયેલી જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી લોકસભા ચૂંટણી ૨૦૧૯ પહેલા ભાજપ માટે લિટમસ ટેસ્ટ સમાન છે. આ પેટા ચૂંટણીને લઇ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ફરી એકવાર ભાજપને હરાવવાની નેમ વ્યકત કરી હતી. વાઘેલાએ જણાવ્યું કે, ભાજપને હરાવવા માટે હું કંઈ પણ કરીશ, જસદણની પેટા ચૂંટણીમાં ભાજપને પરાજીત કરવા માટે હું કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરવા પણ જઈશ. જસદણના જંગમાં ભાજપ જ ભાજપના ઉમેદવારને પરાજીત કરશે અને ભાજપનો પરાજય નિશ્ચિત છે. આજે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપની ટીકા કરતા જણાવ્યું કે, ભાજપની ટૂંકી દ્રષ્ટીથી કાશ્મીર ખોવાનો વારો આવશે.
ગુજરાતમાં પણ કોઈ સરકાર નથી, મન ફાવે તેમ લોકો કામ કરી રહ્યા છે. દિલ્હી સરકારમાં અનેક ચાપલુસ અધિકારીઓ છે, જે વાહી વાહી કરે છે તેવા અધિકારીઓને મોટી મોટી પોસ્ટ આપી દેવામાં આવી છે. આ ઉપરાંત વાઘેલાએ પીએમ મોદીનું નામ લીધા વગર કહ્યું કે, ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપ્યો છે. ભ્રષ્ટાચારના તાર ગુજરાત સાથે જોડાયા છે. ભાજપ સરકાર લોકશાહીનો ભંગ કરી રહી છે. તમામ સ્વાયત સરકારી સંસ્થાઓમાં પોતાના મળતીયા અધિકારીઓને મુકીને દખલ કરવામાં આવી રહી છે. અગામી દિવસમાં લોકસભા ચૂંટણીમાં હું સક્રિય રહીશ. હું એન્ટી ભાજપ તરીકે કામ કરીશ. જસદણની પેટા ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ શંકરસિંહના તેવર જાઇ હવે કોંગ્રેસ પણ અંદરખાને ગેલમાં આવી ગયું છે પરંતુ બાપુ દર વખતની જેમ પાછુ છેલ્લી ઘડીયે ફેરવી ના તોળે તેની મૂંઝવણમાં પણ છે કારણ કે, રાજયસભાની ચૂંટણી વખતે પણ કંઇક આવી જ Âસ્થતિ હતી. બીજીબાજુ, એનસીપી પણ કોંગ્રેસને આ બેઠક માટે આડકતરી રીતે મદદ કરવાના મૂડમાં છે ત્યારે હવે ભાજપ વધુ આક્રમતા સાથે રણનીતિ તૈયાર કરવામાં લાગી ગયુ છે.