ભોપાલ : મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીથી પહેલા સત્તારૂઢ ભાજપને મોટો ફટકો પડી ગયો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સાળા સંજયસિંહ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસની મેમ્બરશીપ લેતી વેળા તેઓએ મધ્યપ્રદેશ કોંગ્રેસના કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશમાં ત્રણ વખતના મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજસિંહ ચૌહાણ માટે વ્યક્તિગત રીતે પણ આ એક મોટા પ્રહાર તરીકે છે. બીજી બાજુ કોંગ્રેસમાં સામેલ થવા પર સંજયસિંહે કમલનાથની ખૂબ પ્રશંસા કરી છે. સંજયસિંહે કહ્યું છેકે મધ્યપ્રદેશને હવે રાજની નહીં બલ્કે નાથની જરૂર છે.
સંજય શિવરાજસિંહના પત્ની સાધના સિંહના ભાઈ છે. એમ માનવામાં આવે છે કે સંજયસિંહ ટિકિટ ન મળવાના પરિણામ સ્વરૂપ શિવરાજસિંહ અને પાર્ટીથી નાખુશ હતા. ૨૮મી નવેમ્બરના દિવસે મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. બીજી બાજુ કોંગ્રેસની અંદર પણ આંતરિક ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે. જેમાં બાંધછોડના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પોતે કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણના કારણે પરેશાન છે.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારના નામ નક્કી કરવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. યુપીએ ચેરમેન સોનિયા ગાંધી શુક્રવારના દિવસે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્યોની સાથે કોંગ્રેસ ફોર કમિટીની બેઠકમાં સામેલ થયા હતા. સોનિયા ગાંધીએ દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય વચ્ચે પણ વાતચીત કરી છે. આ બંને વચ્ચે મધ્યપ્રદેશમાં પ્રભુત્વને લઈને લડાઈ ચાલી રહી છે. કોંગ્રેસની અંદર ખેંચતાણ દિન પ્રતિદિન વધી રહી છે. દિગ્વિજય અને જ્યોતિરાદિત્ય પોત પોતાના સમર્થકોને ટિકિટો અપાવવા માટે બેઠક દરમિયાન લડતા ઝઘડતા દેખાયા હતા. રાહુલ ગાંધી પણ તે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જાકે મોડેથી દિગ્વિજયે એકતા હોવાની વાત કરી હતી.