બિટકોઇન કેસ : જતીન પટેલ હવે છ દિવસના રિમાન્ડ પર

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ: ગુજરાતભરમાં ભારે ખળભળાટ મચાવનારા રૂ.૧૨ કરોડના બિટકોઇન કેસમાં ભાગેડુ આરોપી જતીન પટેલે અમદાવાદની સ્પેશ્યલ એસીબી કોર્ટ સામે શરણાગતિ સ્વીકાર્યા બાદ તેને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલાયો હતો, ત્યારે આજે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ તરફથી આરોપી જતીન પટેલને સ્પેશ્યલ એસીબી કોર્ટ સમક્ષ રજૂ કરી ૧૨ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપી જતીન પટેલને છ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. સીઆઇડી ક્રાઇમ તરફથી આરોપી જતીન ધીરૂભાઇ પટેલને આજે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં જણાવાયું હતું કે, આરોપી જતીન પટેલ બિટકોઇન કેસમાં ફરિયાદી શૈલેષ ભટ્ટના અપહરણ અને ખંડણીના કાવતરાના ઘટનાક્રમ પહેલેથી નલીનટ કોટડિયા, કીરીટ પાલડિયા અને કેતન પટેલના સતત સંપર્કમાં હતો.

આરોપીઓએ એકબીજાના મેળાપીપણમાં સમગ્ર ષડયંત્ર રચ્યું તેની આરોપીને જાણ હોઇ તેની પાસેથી આ અંગેની માહિતી કઢાવવાની છે. આરોપી જતીન પટેલના મોબાઇલની કોલ ડિટેલ પરથી ગુના પહેલા અને ગુના બાદ કોની કોની સાથે વાત કરી અને શું વાત કરી તે અંગેની માહિતી જાણવાની છે. આરોપીની સમગ્ર કાવતરામાં ચાવીરૂપ ભૂમિકા હોઇ તેમ જ તેની વિરૂધ્ધ ટેકનીકલ પુરાવાઓ પણ પ્રાપ્ય થયા હોઇ કેસની ખૂટતી કડીઓ મેળવવા આરોપીની કસ્ટડીની જરૂર છે. આરોપી છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો હતો અને તે દરમ્યાન તેને કોણે કોણે આશરો આપ્યો અને તેને કોણે મદદગારી કરી તેની વિગતો પણ જાણી પોલીસ ક્સ્ટડીમાં પૂછપરછ કરવાની છે. આરોપીના ભાઇ કેતન પટેલના હિસ્સાના નાણાં હજુ સુધી રીકવર થયા નથી અને તેથી તે નાણાં સગેવગે કરવામાં જતીન પટેલની મહત્વની ભૂમિકા હોઇ તે અંગે પણ પૂછપરછ કરવાની છે.આ સંજાગોમાં આરોપીની ક્સ્ટોડિયલ ઇન્ટ્રોગેશન માટે ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. સીઆઇડી ક્રાઇમની આ અરજીને ધ્યાનમાં લઇ કોર્ટે આરોપી જતીન પટેલના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

 

Share This Article