અમદાવાદ : શહેરભરનાં ઊબડખાબડ રસ્તાથી વાહનચાલકો દરરોજ તોબા પોકારે છે. મેટ્રો રેલ રૂટને સંલગ્ન રસ્તા પણ ખરાબ હાલતમાં છે, જોકે મેટ્રો રેલના સત્તાવાળાઓએ તો ટેન્ડર પ્રસિદ્ધ કરીને આવા રસ્તાના રિપેરિંગના મામલે ચક્રો ગતિમાન કર્યાં છે, પરંતુ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રોડનાં કામનાં નામે માત્ર પેચવર્ક થઈ રહ્યું છે. હાલ તો, કન્સલ્ટન્ટ્સના અભાવે શહેરના બિસ્માર રસ્તાઓનું કામકાજ હાલ તો અધ્ધરતાલ લટકી રહ્યું છે, જેને લઇ નાગરિકોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે. બીજીબાજુ, દેવ દિવાળી પછી શહેરનાં રસ્તા સુધરવા લાગશે તેવો સત્તાધીશોએ દાવો કર્યો છે, પરંતુ રોડનાં કામમાં થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન કરનારા કન્સલ્ટન્ટની નિમણૂક થયા બાદ તેમાં ઝડપ આવશે અને રાજ્ય-કેન્દ્રના હાઈવે જેવા સુંદર બનશે તેવો પણ દાવો થઇ રહ્યો છે.
તંત્ર દ્વારા ચાલુ વર્ષે આશરે રૂ. ૨૫૦ કરોડનાં રોડનાં નવા અને જૂના કામના વિવિધ કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે. બીજા રૂ. ૧૦૦ કરોડના રોડના કામને લગતી દરખાસ્ત પ્રગતિ હેઠળ છે. ગયા ચોમાસામાં રોડના કામમાં કૌભાંડ થવાથી કેટલાક કોન્ટ્રાક્ટરોએ રિંગ કરીને ચાલુ વર્ષે રોડનાં કામમાં ૩૦ ટકા સુધીનો વધારો મેળવીને મ્યુનિસિપલ તિજોરીને રીતસરની લૂંટી છે. બીજી તરફ સત્તાધીશોએ અગાઉ સસ્પેન્ડ કરેલા સાત ઈજનેરને પુનઃ કામે ચઢાવ્યાં છે. ઈજનેર વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સામેની તપાસની ફાઈલને અભરાઈએ ચઢાવાઈ છે. હાઈકોર્ટનાં બે મહિનામાં વિજિલન્સ તપાસ પૂર્ણ કરીને કસૂરવાર અધિકારીઓ સામે પગલાં ભરવાના આદેશને તંત્ર ઘોળીને પી ગયું છે. આમ, કોન્ટ્રાકટરો અને અધિકારીઓને સાચવ્યા બાદ અને ચાલુ ચોમાસામાં વરસાદમાં પચાસ ટકાની ઘટ હોવા છતાં દિવાળીનાં સપરમાં દિવસોમાં લોકોને ડિસ્કો રોડ પર વાહન ચલાવવા પડ્યાં તો તેનું મુખ્ય કારણ ટીપીઆઈ (થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન)નું વાગ વણઉકલાયેલું કોકડું છે. ગયા ચોમાસામાં રૂ. ૪૫૦ કરોડનાં રોડને પહેલા રાઉન્ડનાં વરસાદમાં જ ઓછી-વધતી અસર થતાં સમગ્ર રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનના રોડના કૌભાંડ વિકાસ ગાંડો થયો છે તેવા સ્લોગન હેઠળ ગાજ્યાં હતાં એટલે આ વખતે સત્તાવાળાઓ કન્સલ્ટન્ટ નીમીને રોડના કામની ગુણવત્તા સુધારવા માગે છે. દૂધથી દાઝેલા છાસ ફૂંકીને પીવે તેમ તંત્ર માત્ર ઈજનેરોનાં ભરોસે બેસી રહેવા તૈયાર નથી કેમ કે અત્યાર સુધી ઈજનેરો રોડનું સુપરવિઝન કરતા હતા, જે હવે કન્સલ્ટન્ટ મારફતે થવાના છે. જો કે રોડનાં કામનું ઈન્સ્પેકશન કન્સલ્ટન્ટ માટે પડકારરૂપ છે, કેમ કે પ્લાન્ટમાં માલનું તાપમાન, રસ્તા પર ગાડીનું તાપમાન અને માલ રસ્તા પર પથરાય તે વખતનું તાપમાન જોવું-ચકાસવું.
જો રસ્તામાં ગાડી બગડી કે પછી ગુરુકુળનાં રસ્તાનાં જગજાહેર થયેલા કૌભાંડની જેમ ગાડીનાં ફેરાની નોંધણીમાં, માલનાં વપરાશમાં ગેરરીતિ થવી જેવી ગેરરીતિને રોકવી. બીજી બાજુ ઝોનમાં એકસાથે ચાર-છ સ્થળે ચાલતા રોડનાં કામ પર સૂક્ષ્મ નજર રાખવી અઘરું કામ લાગતું હોઈ ટીપીઆઈનો કોન્ટ્રાક્ટ મેળવવા કન્સલ્ટન્ટ આગળ આવી રહ્યાં નથી, જેનાં કારણે શહેરનાં રસ્તાને નેશનલ હાઈવે ઓથોરિટી કે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત રસ્તાની જેમ સુંદર બનાવવાનું શાસકોનું સપનું સાકાર થતું નથી. જે તે ઝોનમાં જે તે રસ્તાના કામની અગ્રિમતાના આધારે ઈજનેર વિભાગ દ્વારા યાદી પણ તૈયાર થઈ ગઈ છે, પરંતુ હજુ પણ રોડ રિસરફેસિંગ માટે પેવરના કામ ગતિમાં આવી નથી. આ કામમાં કન્સલ્ટન્ટનું કોકડું ઉકેલાયા બાદ ઝડપ આવશે. બીજી તરફ આ અંગે શાસકોને પૂછતાં તેઓનો મજૂરોનાં અભાવે રોડના કામ અટક્યા હોવાનો દાવો કર્યો હતો.