બાર્સેલોના, સ્પેન : વિશ્વભરમાં પ્રખ્યાત બાઇકિંગ ક્વિન્સ સ્પેનના બાર્સેલોના પહોંચીને મેડ્રિડમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ અને ભારતીય સમુદાયના લોકો સાથે ભારતના 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.
જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, નેધરલેન્ડ અને બેલ્જિયમ સહિતના યુરોપિયન દેશો પસાર કર્યાં બાદ 14 ઓગસ્ટની સાંજે બાઇકિંગ ક્વિન્સ બાર્સેલોના પહોંચી હતી. 15 ઓગસ્ટ, 2019ના રોજ બાઇકિંગ ક્વિન્સ સવારે ધ્વજવંદન કર્યું હતું તથા સાંજે 7 વાગ્યે ઇન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને દેશના 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી બાઇકિંગ ક્વિન્સ સાથે કરી હતી. આ ઉપરાંત ભારતીય સમુદાય દ્વારા વિવિધ પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિઝા એન્ડ કમ્યુનિટી અફેર્સના સેકન્ડ સેક્રેટરી મનોજ કપૂર તથા સ્પેનના મેડ્રિડ ખાતે ભારતીય દૂતાવાસમાં ઓફિસર ફોર કલ્ચર જિવા મારિયા જોય સ્વતંત્રતા દિવસની ઉજવણી સમારોહમાં જોડાયા હતાં. આ અંગે બાઇકિંગ ક્વિન્સના સ્થાપક ડો. સારિકા મહેતાએ જણાવ્યું હતું કે, બાર્સેલોનામાં ભારતના 73માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવી અમારા માટે ગર્વની બાબત છે. કટાલ્યુનાર અને ઇન્ડિયન કલ્ચર સેન્ટર દ્વારા આ ઉજવણી માટે આમંત્રિત કરાતા અમે સન્માન અનુભવીએ છીએ. ભારતથી હજારો કિલોમીટર દૂર રહીને માતૃભૂમિ પ્રત્યે દેશભક્તિનો માહોલ જોવો એક વિશિષ્ટ લાગણીનો અનુભવ કરાવ્યો છે. આ ઉજવણી અમારા હ્રદયમાં વિશેષ સ્થાન હાંસલ કરશે તથા દેશ માટે કંઇક વિશેષ કરવા માટે અમને પ્રોત્સાહન મળ્યું છે.
મહત્વપૂર્ણ છે કે બાઇકિંગ ક્વિન્સ રાઇડ ફોર વુમન્સ પ્રાઇડ અને બેટી બચાવો, બેટી પઢાવોનો સંદેશ ફેલાવવા માટે 3 ખંડના 25 દેશના પ્રવાસે છે. અત્યાર સુધીમાં બાઇકિંગ ક્વિન્સે લગભગ 20,000 કિમીની મુસાફરી કરી છે, જેમાં તેમણે રશિયાના મોસ્કોમાં દસ્તાવેજોની ચોરી તથા નેધરલેન્ડમાં તેમની કેટીએમ બાઇકની ચોરી જેવી સમસ્યાઓનો સામનો કર્યો છે. જોકે, બાઇકિંગ ક્વિન્સે ફ્રાન્સમાંથી બાઇક ભાડે લઇને મકક્મ જુસ્સા સાથે પોતાનું મીશન આગળ ધપાવ્યું છે.