વિશ્વ પ્રસિદ્ધ સુરતની બાઇકિંગ ક્વિન્સ ભારતથી 3 ખંડોના 21 દેશોમાં 21,000થી વધુ કિમીનો પ્રવાસ કરીને લંડન પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા બાઇકર્સ બની છે. ‘રાઇડ ફોર વુમન્સ પ્રાઇડ’ અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંદેશાને પ્રસાર કરવા એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડની મોટરબાઇક ઉપર મુસાફરી કરવા બદલ આજે બાઇકિંગ ક્વિન્સને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. ભારતથી પોતાની મુસાફરી શરૂ કર્યાંના ત્રણ મહિના બાદ બાઇકિંગ ક્વિન્સ 24 ઓગસ્ટના સાંજે લંડન પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે બાઇકિંગ ક્વિન્સે 5 જૂનના રોજ ઉત્તર પ્રદેશથી તેમના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો, જેમાં રાજ્યના મુખ્ય પ્રધાન શ્રી યોગી આદિત્યનાથે તેમને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મુસાફરીમાં તેઓ વિવિધ દેશો અને શહેરોમાંથી પસાર થયાં હતાં તથા 15 ઓગસ્ટના રોજ સ્પેનના બાર્સેલોનામાં તિરંગો પણ લહેરાવ્યો હતો. લંડનમાં પોતાનું મીશન પૂર્ણ કરતાં લંડનની બાઇકિંગ કમ્યુનિટિએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે લંડનમાં ભારતીય હાઇ કમીશનની મુલાકાત લીધી હતી. હવે બાઇકિંગ ક્વિન્સ 27 અને 28 ઓગસ્ટના રોજ લંડનમાં ભારતીય સમુદાયને મળશે. 28 ઓગસ્ટના રોજ તેમના માટે ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરાયું છે, જેમાં યુકેના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે બાઇકિંગ ક્વિન્સના સ્થાપક ડો. સારિકા મહેતાએ જણાવ્યું હતું કે, “ત્રણ મહિના લાંબી ઐતિહાસિક રાઇડ પૂર્ણ કરીને લંડન પહોંચવાની ખુશી કંઇક અલગ છે. અમે તમામ દેશોમાંથી ખુબજ સારો સહયોગ મેળવ્યો છે. અમારી મુસાફરીમાં વિવિધ એનજીઓને મળવું, ભારતીય દૂતાવાસની મુલાકાત લેવી તેમજ સ્થાનિક અને ભારતીય સમુદાયોને મળવું ખરેખર અનોખો અનુભવ હતો. અમે રાઇડ દરમિયાન વિવિધ મૂશ્કેલીઓ અનુભવી, પરંતુ તેનો સામનો કરતાં અમે વધુ મજબૂત બન્યાં છીએ.”
આ પ્રવાસની શરૂઆત 3 બાઈકિંગ ક્વીન્સે ગઈ પાંચ જૂને કરી હતી. ડો. સારિકા અને ઋતાલી સાથે જીનલ શાહ પણ હતાં, પરંતુ રશિયાના મોસ્કોમાં જીનલનો પાસપોર્ટ, દસ્તાવેજો ચોરાઈ જતાં એમને ભારત પાછાં ફરવું પડ્યું હતું. ડો. સારિકા અને ઋતાલી સફરમાં આગળ વધ્યાં હતાં. પરંતુ, નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં એ બંનેની કેટીએમ બાઈક ચોરાઈ ગઈ હતી. જોકે સારિકા અને ઋતાલિએ બાઈક ભાડે લઈને મક્કમ જુસ્સા સાથે એમનું મિશન આગળ ધપાવ્યું હતું. ભારતીય સ્ત્રી ક્યાંય પાછળ નહિ રહે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બાઈકિંગ કવીન્સની આ યાત્રા છે. તેમણે વિવિધ પ્રદેશમાં અલગ અલગ તાપમાનમાં પણ મક્કમ મનોબળથી યાત્રા આગળ ધપાવી હતી.
બાઇકિંગ ક્વિન્સના સદસ્ય રુતાલી પટેલે જણાવ્યું હતું કે, “સામાજિક સંદેશો પાઠવવા વિવિધ દેશોમાં રાઇડ કરવાનો અનુભવ મારા માટે ખાસ હતો. મેં રાઇડથી ઘણું શીખ્યું છે અને તેનાથી મને જીવનમાં ઘણો લાભ થશે.”