છપરા : બિહારમાં એક ટ્રેન દુર્ઘટના થઇ હોવાના અહેવાલ મળ્યા છે. બિહારના છપરા સ્ટેશનની પાસે તાપ્તી-ગંગા એક્સપ્રેસ ટ્રેનના ૧૩ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. જાણકારી મળ્યા બાદ રેલવેના ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરવાના આદેશ કર્યા હતા. ટ્રેન ખડી પડવાના મામલામાં ચાર યાત્રીઓને ઇજા થઇ છે. છપરામાં ગૌત્તમ સ્થાનની પાસે આ ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રેન સવારે આઠ વાગે છપરાથી સુરત માટે રવાના થઇ હતી.
ગૌત્તમ સ્થાનની પાસે ટ્રેનના ૧૩ ડબ્બા પાટાપરથી ખડી પડ્યા હતા. ટ્રેનના ડબ્બા પાટા પરથી ખડી પડ્યા બાદ પંડિત દિનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશનના અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તાપ્તી ગંગા એક્સપ્રેસના ડબ્બા ખડી પડ્યા બાદ આ રુટ પરની તમામ ટ્રેનોને અસર થઇ હતી. યાત્રીઓની સુવિધા માટે તમામ વિકલ્પો તરત ખોલવામાં આવ્યા હતા. યાત્રીઓ માટે ચા પાણી હિત જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. આ હેલ્પલાઈન ઉપર માહિતી મેળવી શકાય છે. વારાણસી, મઉ તથા છપરા માટે હેલ્પલાઈન નંબરો જારી કરવામાં આવ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.