બિહાર : બદલાયેલા સમીકરણમાં બિહારમાં ૪૦ સીટોની ચૂંટણી ખુબ નિર્ણાયક બનનાર છે. ગઠબંધનને લઇને પોતાના ઘરમાં જ સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યની ડઝન જેટલી સીટ પર બંને ગઠબંધનના અસંતુષ્ટ ઉમદવારો મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. બિહારની આ સીટો પર સ્પર્ધા આ વખતે વધારે ગળાકાપ રહી શકે છે. હજુ સુધીની સ્થિતી પર નજર કરવામા આવે તો જો કોઇ પાર્ટીએ સૌથી વધારે બાંધછોડ કરી છે તો તે ભારતીય જનતા પાર્ટી છે. વર્ષ ૨૦૧૪માં ૨૨ સીટ જીતી જનાર પાર્ટીએ આ વખતે ૧૭ સીટો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. બાકીની ૧૭ સીટો પર જેડીયુ ચૂંટણી લડનાર છે.
અન્ય છ સીટો પર એલજેપી ચૂંટણી લડનાર છે. પાંચ સીટનુ ત્યાગ કરનાર ભારતીય જનતા પાર્ટીને પણ પોતાની અંદર નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. બાંકામાં પુલુલસિંહ પોતાના જ ગઠબંધનના ઉમેદવાર સામે બળવાખોર ઉમેદવાર તરીકે મેદાનમાં આવી ગયા છે. જેના કારણે એનડીએ પરેશાન છે. બીજી બાજુ ભાજપના સિનિયર નેતા શાહનવાઝ હુસૈન પણ બાગલપુર સીટને ભાજપના ક્વોટામાંથી જેડીયુને આપવામાં આવ્યા બાદ પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. આના પર નીતિશ કુમાર પણ તીખી પ્રતિક્રિયા આપી ચુક્યા છે. પ્રથમ વખત ચૂંટણી બેઠક વહેંચણી બાદ પ્રથમ વખત ખોટો સંદેશ ગયો છે કે બંને પાર્ટીમાં કેટલીક નારાજગી છે. કટિહાર સીટ પણ ભાજપે પોતાના ક્વોટમાંથી જેડીયુને આપી દીધી છે. જેના કારણે ત્યાંના સિનિયર નેતા અશોક અગ્રવાલ બળવો કરી રહ્યા છે.
જો કે પાર્ટીની દરમિયાનગીરી બાદ તેઓ નામ પરત લેવામાં સફળ રહ્યા હતા. ભાજપમાં એક વર્ગના લોકો આ બાબતથી નારાજ છે કે પાર્ટીએ પોતાના સાથી પક્ષોને અપેક્ષા કરતા વધારે સીટ આપી દીધી છે. ટિકિટ વહેંચણી દરમિયાન એનડીએના સાથી પક્ષ જેડીયુ અને એલજેપીના રસ્તા પણ સરળ રહ્યા નથી. જેડીયુ ગઠબંધનને ૧૭ સીટો મળી તો ગઇ છે પરંતુ આ તમામ સીટો પર જીતી શકે તેવા ઉમેદવારને ઉતારવાની બાબત તેના માટે મુશ્કેલરૂપ બનેલી છે. કારણ કે પાર્ટીન એવી સીટો વધારે મળી હતી જે સીટ પર મોદી લહેર હોવા છતાં જીતી શકાઇ ન હતી. બીજી બાજુ પાર્ટીને કેટલીક એવી સીટો મળી નથી જ્યા પાર્ટીએ વધારે મહેનત કરી હતી. દાખલા તરીકે દરભંગા સીટ પર નીતિશ કુમારના નજીકના સાથી સંજય ઝાંએ થોડાક સમય પહેલા ચૂંટણી લડવાન જાહેરાત કરીને પોતાના ડેરા ત્યાંજ જમાવ્યા હતા. છેલ્લી ઘડીએ આ સીટ ભાજપના ખાતામાં જતી રહી છે.
બીજ બાજુ પાર્ટીમાં કેટલાક નેતાઓએ પ્રથમ વખત પૈસા લઇને સીટો વહેંચવા માટેના આરોપો પણ કર્યા છે. ટિકિટની વહેંચણને લઇને કોંગ્રેસ પાર્ટી સામે પણ તકલીફ રહી છે. જ્યારથી પાર્ટીએ કોંગ્રેસના રાજ્ય પ્રભારી તરીકે શક્તિસિંહને બનાવ્યા છે ત્યાંથી બિહાર કોંગ્રેસમાં પણ ખેંચતાણ જારી છે. ત્યારથી પાર્ટમાં જુના નેતાઓને જોડવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આવી સ્થિતીમાં પાર્ટીના કેટલાક એવા નેતા પણ છે જે ટિકિટ ઉપરાંત પણ કેટલીક જવાબદારી મેળવી લેવાની આશા રાખે છે. પૂર્ણિયામાં ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયેલા ઉદયસિંહને ટિકિટ મળી છે પરંતુ તેમની સામે પડકારો ઓછા નથી. બાહુબલી નેતા અનંત સિંહની પત્નિને પણ મુંગેરમાંથી ટિકિટ આપી દેવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ વર્ષો બાદ પ્રથમ વખત પોતાની વોટબેંકને મજબુત કરવાના પ્રયાસ કર્યા છે. સવર્ણ અને દલિત વોટબેંક સુધી પહોંચી જવા માટેના પ્રયાસ કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. કોંગ્રેસ અને આરજેડીમાં વિવાદનો લાંબા સમય બાદ અંત આવ્યો હતો. આરજેડી પણ ઘરમાં ઉઠી રહેલા અવાજથી બચી શકી નથી. ગઠબંધન મજબુરીના કારણે આરજેડી આ વખતે ૧૯ સીટો પર લડી રહી છે. પાર્ટીના કેટલાક સિનિયર નેતા આને લઇને નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. આવી સ્થિતીમાં ત્રણેય પાર્ટી સામે હાલમાં તકલીફ છે.