બિહાર પુરની સ્થિતી હજુય ગંભીર: રાહતની કામગીરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પટણા : બિહારમાં પુરની સ્થિતી હજુ  પણ ગંભીર બનેલી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હજુ સુધી સત્તાવાર રીતે મોતનો આંકડો ૧૩૦ ઉપર પહોંચી ગયો છે. જ્યારે બિનસત્તાવાર રીતે મોતનો આંકડો વધીને ૨૦૦થી ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ હવે નીચાણવાળા વિસ્તારમાં રોગચાળાનો ખતરો વધી ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરીમાં પણ અડચણો આવી રહી છે. ૨૨૪૦૦ લોકો હજુ પણ રાહત કેમ્પમાં છે.

બિહાર સરકાર સાથે હવે રોગચાળાને લઇને ખતરો રહેલો છે.  મધુબાની જિલ્લામાં વધુ પાંચ લોકોના મોત થતાં અહીં મોતનો આંકડો વધીને ૨૩ ઉપર પહોંચી ગયો છે. દરભંગામાં વધુ એકના મોત સાથે મોતનો આંકડો ૧૦ થયો છે. સીતામઢીમાં સૌથી વધુ ૨૭ લોકોના મોત થયા છે.  નેપાળના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદની સીધી અસર બિહારમાં થઇ રહી છે. અલબત્ત જળબંબાકાર થયેલા વિસ્તારોમાં પાણીની સપાટી ઘટી રહી છે. રોગચાળાને રોકવા માટેના પ્રયાસો હવે હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજ્યના ૧૨  જિલ્લા શિવહર, સીતામઢી, પૂર્વીય ચંપારણ, મધુબની, અરેરિયા અને કિસનગંજના ક્ષેત્રમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

દરભંગા, વૈશાલી અને મુઝફ્ફરપુરમાં પણ નદીઓમાપુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં સ્થિતિ ગંભીર બનેલી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મોરીગાંવ જિલ્લામાં વધુ પાંચ લોકોના મોત થયા છે. બારપેટામાં ત્રણના મોત થયા છે. ૩૩ જિલ્લાઓ પૈકી ૨૪ પુરના સકંજામાં છે. હાલમાં એનડીઆરએફની ૧૫ ટીમો લાગેલી છે.

સ્થિતીમાં હાલમાં સુધારો થવાના  સંકેત નથી.  એકલા આસામમાં પુરના કારણે ૩૦.૫૫ લાખ લોકો વિસ્થાપિત થઇ ચુક્યા છે. જ્યારે મોતનો આંકડો વધીને ૭૨ ઉપર પહોંચી ગયો છે. ગુવાહાટી અને અન્ય વિસ્તારોમાં બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે.

 

TAGGED:
Share This Article