બિહાર : તાવના લીધે મોતનો આંકડો વધી હવે ૧૧૦ થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પટણા : બિહારમાં ચમકી તાવના કારણે મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે મોતનો આંકડો વધીને ૧૧૦ ઉપર પહોંચી ગયો છે. હજુ પણ સેંકડો બાળકો સારવાર હેઠળ હોવાના કારણે મોતનો આંકડો હજુ વધવાની દહેશત દેખાઇ રહી છે. બીજી બાજુ સરકાર રોગ પર કાબુ મેળવી લેવા માટેના તમામ પ્રયાસો કરી રહી હોવા છતાં હજુ સુધી સફળતા મળી નથી.  ૩૩૦ બાળકો હજુ પણ સારવાર હેઠળ હોવાની માહિતી મળી રહી છે.  કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે જો સરકારે પહેલાથી જ તૈયાર કરવામાં આવેલી યોજનાને અમલી બનાવી હોત તો બાળકોને બચાવી શકાયા હોત.

રાજ્યમાં હજુ સુધી આ બિમારીને રોકવા માટે સરકારે રિસર્ચ અને સારવાર પર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે. જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સ્થિતીમાં કોઇ નોંધપાત્ર સુધારો થઇ રહ્યો નથી. મોતનો સિલસિલો જારી છે. માત્ર એક જ હોસ્પિટલમાં સેંકડો બાળકોના મોત થયા છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જે બાળકોના મોત નાની હોસ્પિટલમાં થયા છે અથવા તો ઘરમાં થયા છે તે બાળકોનો મોતના આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

બિન સરકારી આંકડા દર્શાવે છે કે આ બિમારીથી હાલમાં બે હજાર બાળકો ગ્રસ્ત થયેલા છે. બિહારના મુજફ્ફરપુરમાં શંકાસ્પદ એક્યુટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમના કારણે મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન પણ તાવના કારણે ઉભી થયેલી જટિલ સ્થિતીની માહિતી મેળવી લેવા માટે બિહારમાં પહોંચી ગયા છે. અસરગ્રસ્ત તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના પર તબીબોની બાજ નજર છે. મુજફ્ફરપુર પહોંચેલા હર્ષવર્ધને પરિસ્થિતીની સમીક્ષા કરી હતી. નિષ્ણાંત તબીબો સાથે વાતચીત કરી હતી. હર્ષવર્ધને શ્રીકૃષ્ણા મેડિકલ અને હોસ્પિટલની મુલાકાત લઇને તબીબો સાથે વાત કરી છે.

Share This Article