પટણા : બિહારમાં એનડીએના ઘટક પક્ષ ભાજપ, જેડીયુ, એલજેપી અને આરએલએસપી વચ્ચે વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઇને હજુ સુધી કોઇ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી નથી. કોણ કેટલી સીટ પર લોકસભા ચૂંટણી લડશે તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતી રહેલી છે. બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે થોડાક સમય પહેલા જ કહ્યુ હતુ કે ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં બેઠકોની વહેંચણીને લઇને કોઇને કોઇ સમજુતી થઇ જશે.
જો કે હજુ સુધી આના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. પંરતુ એવુ જાણવા મળી રહ્યુ છે કે ભાજપ પોતાના સાથીઓને જાળવી રાખવા માટે પોતાની કેટલીક સીટો પર બાંધછોડ કરી શકે છે. અથવા તો કેટલીક સીટોનુ ત્યાગ કરી શકે છે. તમામ રાજકીય પંડિતો અને રાજનીતીમાં રસ ધરાવનાર લોકો જાણે છે કે બિહારમાં એનડીએના કુલ ૩૧ સાંસદ છે. જેમાં ભાજપના ૨૨, એલજેપીના છ અને આરએલએસપીના ત્રણ સાંસદોનો સમાવેશ થાય છે.
ભાજપ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યુ છે કે પાર્ટી કેટલીક સીટોનુ ત્યાગ કરી શકે છે. જા કે એક અથવા તો બે સીટોથી વધારે કોઇને આપનાર નથી. ભાજપ વર્ષ ૨૦૧૯માં યોજાનાર ચૂંટણી પહેલા સાથી પક્ષો સાથે એકતા દર્શાવવા માટે કટિબદ્ધ છે. સુત્રોએ કહ્યુ છે કે પાર્ટી એવી પણ આશા રાખી રહી છે કે સંભવિત સીટોની વહેંચણીમાં જેડીયુને વાજબી પ્રતિનિધિત્વ આપવા માટે એલજેપી અને આરએલએસપી યોગ્ય રીતે સહકાર કરે. ભાજપ માટે જડુના ભોજપુર અને મગધવિસ્તારમાં વર્તમાન સીટોને ગઠબંધન માટે છોડી દેવાની બાબત મુશ્કેલરૂપ બની જશે. ઓલ્ડ ભોજપુરમાં કૈમુર, બક્સર, આરા અને રોહતાસ જિલ્લા આવે છે. જ્યારે મગધમાં ગયા, જેહાનાબાદ અને અરવલ જિલ્લા આવે છે. આ વિસ્તારની મોટા ભાગની સીટો રાજકીય રીતે ભાજપ માટે સાનુકુળ છે.
એનડીએની પ્રથમ પ્રાથમિકતા તમામ સાથી પક્ષો માટે સીટોની સંખ્યા નક્કી કરવાની બાબત હોય છે. એમ કહેવામાં આવે છે કે બાજપ સીમાંચલની ચાર લોકસભા સીટ પર કદાચ કદાચ ચૂંટણી લડશે નહી. આ વિસ્તારમાં અરરિયા, કટિહાર, પુર્ણિયા અને કિશનગંજ સીટો આવે છે. એક સુત્રે કહ્યુ છે કે આ વિસ્તારમાં ભાજપના સાથછી પક્ષો અને ખાસ કરીને જેડીયુની સ્થિતી વધારે મજબુત રહી છે. એમ પણ માનવામાં આવે છે કે જેડીયુની નજર દરભંગા સીટ પર છે. જ્યાંથી ભાજપમાંથી સસ્પેન્ડ સાંસદ કિર્તી આઝાદ હાલમાં સાંસદ તરીકે છે. આ રીતે જેડીયુ મધુપુરા સીટ પર પોતાનો દાવો કરી શકે છે. લોકસભા ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે તૈયારી કરી રહ્યા છે.