નોઇડાઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે પેટ્રોલિંગ અને કોમ્બિંગની પ્રક્રિયા તીવ્ર કરવામાં આવી છે. આના ભાગરુપે મોટી સફળતા હાથ લાગી છે. ઉત્તરપ્રદેશમાં નોઇડામાંથી બે બાંગ્લાદેશી ત્રાસવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે. આની સાથે જ હુમલાની ઘાતક યોજના નિષ્ફળ કરી દેવામાં આવી છે. ઝડપાયેલા આ બંને ત્રાસવાદીઓની ઓળખ મુશર્રફ હુસૈન અને રુબેલ અહેમદ તરીકે થઇ છે. બંને આતંકવાદીઓ નોઇડામાં છુપાયેલા હતા.
ઉત્તરપ્રદેશની એન્ટી ટેરર ટીમ અને પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓ આ બંને ત્રાસવાદીઓની ધરપકડમાં નજીકના સંકલનથી કામ કરી રહ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, આ ત્રાસવાદીઓ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ૧૫મી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે અને મુખ્ય કાર્યક્રમ દિલ્હીમાં જ યોજાનાર છે ત્યારે આને મોટી સફળતા તરીકે ગણવામાં આવે છે.
ઇન્ટેલીજન્સ સંસ્થાઓએ પહેલાથી સ્વતંત્રતા દિવસ પહેલા પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો તરફથી મોટા આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરી છે. સઇદ મુનિર હુસૈન કાદરી, આશીક બાબા અને તારીક અહેમદના નેતૃત્વમાં ત્રાસવાદીઓ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ત્રણેય ત્રાસવાદીઓ હાલમાં એનઆઈએના હાથે ઝડપાઈ ગયા હતા.
વર્ષ ૨૦૧૬માં કરવામાં આવેલા નાગરોટા આર્મી કેમ્પ પરના હુમલામાં ભૂમિકા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૬માં કરાયેલા આ હુમલામાં સાત ભારતીય જવાનો શહીદ થયા હતા. પુછપરછ દરમિયાન ત્રાસવાદ વિરોધી તપાસ સંસ્થાના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, જૈશના ત્રાસવાદીઓ તાલીમ લઇને પહોંચી રહ્યા છે. આ લોકો ગેરમાર્ગે દોરાયેલા કાશ્મીરી યુવાનો છે. ત્યારબાદ સત્તાવાળાઓ તરફથી નજર રાખવામાં આવી રહી હતી. બે ત્રાસવાદીઓની ધરપકડ બાદ લાલ કિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરી દેવામાં આવી છે. સ્વતંત્રતા દિવસ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી રહી છે. તમામ સંભવિત પગલા લેવાઈ રહ્યા છે.