હરિદ્વાર : આખા વિશ્વમાં પ્રખ્યાત એવી પવિત્ર ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ પવિત્ર યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથના કપાટ 2 મે અને બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખોલવામાં આવશે.આ વખતે ચારધામ યાત્રા માટે માત્ર 60% રજીસ્ટ્રેશન ઓનલાઈન થશે, જ્યારે 40% રજીસ્ટ્રેશન ઓફલાઈન હશે. ચારધામ યાત્રા નિકળતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે રજીસ્ટ્રેશન કેન્દ્રો યાત્રાના પ્રથમ 15 દિવસ 24 કલાક ખુલ્લા રહેશે. આ સાથે, વિભાગ હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગો પર રજીસ્ટ્રેશન કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરશે.
ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે ભક્તોએ સત્તાવાર વેબસાઇટ registrationandtouristcare.uk.gov.inની મુલાકાત લેવી પડશે.
આ યાત્રામાં ગયા વર્ષે, યાત્રા દરમિયાન, મસૂરી કેમ્પ્ટી રોડ પર પ્રવાસી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. આ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મોટી સંખ્યામાં વાહનો આવતાં અરાજકતા સર્જાઈ હતી. જેના કારણે મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કટાપત્થર ચેકપોસ્ટ પર પાણી અને અન્ય સુવિધાઓના અભાવે યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે.