અમદાવાદ : અમદાવાદની અપોલો હોસ્પિટલે બ્લડ ટ્રાન્સફયુઝન વિના જ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી (લિવરનું પ્રત્યારોપણ કરવાની શસ્ત્રક્રિયા) કરીને સમગ્ર તબીબી આલમમાં એક વિક્રમજનક ઇતિહાસ રચી નાંખ્યો છે, જેને લઇ તબીબી આલમમાં હકારાત્મક પ્રત્યાઘાત સાથે જારદાર ચર્ચા ચાલી છે. સર્જરી દરમિયાન બ્લડ ટ્રાન્સફયુઝન વિનાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ હોય એવો ગુજરાત રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે. એપોલો હોસ્પિટલે આ અનોખી સિધ્ધિ હાંસલ કરી છે.
એપોલો હોસ્પિટલની આ ઐતિહાસિક સિધ્ધિ અંગે અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદનાં પ્રોગ્રામ ડાયરેક્ટર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. ચિરાગ જે દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં દર વર્ષે ૧૫૦૦થી વધારે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થાય છે. અંગોનું દાન કરવાની જાગૃતિ ન હોવાથી પર્યાપ્ત અંગોની અનુપલબ્ધતા, ઓપરેશનમાં ટેકનિકલ પડકારો, ઇન-હાઉસ બ્લડ બેંક સાથે સુસજ્જ માળખાગત સુવિધા તથા આ પ્રકારનાં દર્દીઓની ઓપરેશન પૂર્વ અને ઓપરેશન પછી સારસંભાળ રાખવા માટે યોગ્ય ટીમવર્કની જરૂરિયાત હોવાથી દેશમાં જેટલાં દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે એટલી સંખ્યામાં સર્જરી થતી નથી. અપોલો હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ પોતાની કુશળતા માટે પ્રસિદ્ધ છે અને તેને સાર્થક કરતી ગુજરાતમાં બ્લડ ટ્રાન્સફયુઝન વિના સૌપ્રથમ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાનો અમને ગર્વ છે.
આ કિસ્સા અંગે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. લક્ષ્મણ ખીરિયાએ જણાવ્યું કે, તાજેતરમાં અમદાવાદની અપોલો હોસ્પિટલ્સમાં મૃતક દાતાનાં શરીરમાંથી લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હાથ ધરવામાં આવી હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટ મનુષ્ય પર હાથ ધરવામાં આવતી સૌથી વધુ મુશ્કેલ સર્જરીઓમાં સામેલ છે. આ ઓપરેશન ૬ કલાક ચાલ્યું હતું અને સામાન્ય રીતે આ પ્રકારનાં ઓપરેશન માટે ૮થી ૧૦ કલાકની જરૂર પડે છે તેમજ તેમાં ૧૦થી ૨૦ યુનિટ બ્લડ અને બ્લડ પ્રોડક્ટ્સની જરૂર પડે છે.
સર્જરી માટે ઉત્કૃષ્ટ ટેકનિક અને સુસંકલિત ટીમ વર્કથી અમે ઓપરેશન દરમ્યાન બ્લડ ટ્રાન્સફયુઝન વિના સર્જરી પૂર્ણ કરી શક્યા છીએ તેનાથી ગૌરવની લાગણી અનુભવીએ છીએ. લિવર મેળવનાર દર્દીની રિકવરી સરળતાપૂર્વક થઈ હતી અને બીજા દિવસે તેમને વેન્ટિલેટર પરથી દૂર કરવામાં આવ્યાં હતાં. તેમનું લિવર ઝડપથી સામાન્ય કામ કરતું થઇ ગયું અને દર્દીએ પાંચમાં દિવસથી તેમની સામાન્ય દૈનિક કામગીરી આરંભી હતી અને તેમને ૧૦-દિવસ પછી રજા આપવામાં આવી હતી. ફોલો-અપમાં નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી અને દર્દી ટ્રાન્સપ્લાન્ટનાં ત્રણ અઠવાડિયાની અંદર સામાન્ય જીવન જીવવા લાગ્યાં હતાં. દરમ્યાન હિપેટોલોજિસ્ટ ડો. શ્રવણ બોહરાએ કહ્યું હતું કે, એડવાન્સ્ડ લિવર સાયરોસિસથી પીડીત દર્દીઓના જીવનની ગુણવત્તા નબળી હોય છે અને તેમને વારંવાર મોંઘા હોસ્પિટલાઇઝેશનની જરૂર પડે છે. આ પરિસ્થિતિનો એકમાત્ર ઉકેલ લિવર ટ્રાન્સપ્લાન્ટ છે.
સમાજમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની સ્વિકૃતતામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. તો, ડો. અંકિત ચૌહાણ, એનેસ્થેટિસ્ટ અને સીઇઓ ડો. રાજેશ કામરાને(નિવૃત્ત મેજર જનરલ) જણાવ્યું કે, લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી દરમિયાન એનેસ્થેસિયોલોજીસ્ટ સામે સૌથી મોટો પડકાર એનેસ્થેસિયા છે કારણકે લિવર ફેઇલ્યોરને કારણે શરીરના ઘણાં અંગોને અસર થાય છે ખાસ કરીને લોહી ગંઠાઇ જવું, લોહીમાંથી વધારાનું એસિડ દૂર થવું, તેનાથી કીડની અને ફેફસાંને અસર થાય છે તથા મગજ અને હ્રદયને પણ નુકશાન પહોંચે છે. આ અંગોની સામાન્ય કામગીરી જાળવી રાખવા માટે સર્જરીની યોગ્ય પ્રગતિ આવશ્યક છે. અમે કોગ્યુલેશન, લોહીમાં એસિડના સ્ટેટસ, ફેફસાં, હ્રદય અને કીડનીની કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે અમે વિશેષ ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી અમને જટિલ પ્રક્રિયાનું યોગ્ય સંચાલન કરવામાં મદદ મળી રહે છે તેમજ સફળ પરિણામો પ્રાપ્ત કરી શકાય છે. ઓપરેશન દરમિયાન લોહી ચઢાવ્યા વિના લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવી ખરેખર પ્રશંસાને પાત્ર કામગીરી છે અને આ માટે બહોળા અનુભવની જરૂર છે. દર્દીને લોહી ચઢાવ્યાં (બ્લડ ટ્રાન્સફયુઝન) વિના તેની લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર સૌપ્રથમ હોસ્પિટલ બનાવનાર અમારી ટીમ પર અમને ગર્વ છે.