પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-૭ બેઠકમાં ભાગ લેવા માટે જર્મનીના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન જર્મનીમાં વર્લ્ડ લીડર્સ સાથે જાહેર કરવામાં આવેલી તસવીરોમાં પીએમ મોદી પ્રત્યે સન્માન અને ભારતના વધી રહેલા કદનો એક શાનદાર નજારો જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મનીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રો અને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો સાથે મુલાકાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જો બાઇડેન પીએમ મોદી સાથે હાથ મિલાવવા માટે દોડતા-દોડતા આવ્યા હતા.
વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જ્યારે પીએમ મોદી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો સાથે વાતચીત કરી રહ્યા હોય છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ મોદીને મળવા પહોંચ્યા અને પાછળથી પીએમને બોલાવ્યા હતા. આ પછી પીએમ મોદી અને જો બાઇડેને હાથ મિલાવ્યા હતા. આ દરમિયાન તેમની સામે ઘણા દિગ્ગજ નેતા હતા પણ બાઇડેન સીધા પીએમ મોદી પાસે પહોંચ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે અને તેની ચર્ચા થઇ રહી છે. જર્મનીમાં વર્લ્ડ લીડર્સ સાથે જાહેર કરવામાં આવેલી તસવીરોમાં પીએમ મોદીની ત્રણ નેતાઓ સાથે ગજબની કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ સિવાય એ તસવીર પણ ચર્ચામાં છે જેમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોની ચા ની ચુસ્કી સાથે ચર્ચા કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે જી-૭ શિખર સંમેલનની ઇતર આજેર્ન્ટિનાના રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફર્નાન્ડીઝ સાથે બેઠક કરી અને દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન બન્ને નેતાઓએ વેપાર અને નિવેશ, રક્ષા સહયોગ, કૃષિ, જળવાયુ કાર્યવાહી અને ખાદ્ય સુરક્ષા જેવા વિભિન્ન મુદ્દા પર ચર્ચા કરી હતી. આ બન્ને નેતાઓ વચ્ચે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હતી. બન્ને નેતાઓએ ૨૦૧૯માં સ્થાપિત દ્વિપક્ષીય રણનીતિક ભાગીદારીને લાગુ કરવામાં પ્રગતિની સમીક્ષા કરી હતી.