અમદાવાદ : વાયુ વાવાઝોડાની અસરના ભાગરૂપે પોરબંદર, દીવ, દ્વારકા, જાફરાબાદ, સોમનાથ, નવસારી, કંડલા, વેરાવળ સહિતના દરિયાકાંઠના વિસ્તારોમાં તોફાની પવન અને વરસાદની સાથે સાથે તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પોરબંદરમાં જૂની દીવાદાંડી નજીક આવેલું ૫૦ વર્ષ જૂનું ભૂતેશ્વર મહાદેવનું મંદિર અને દરિયાકિનારે અડીને આવેલું ૧૫૦ વર્ષ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિર ધરાશાયી થયું હતું. જેના કારણે સ્થાનિક શ્રધ્ધાળુઓ અને ભકતોની ધાર્મિક આસ્થા દુભાઇ હતી અને તેઓએ તોફાન શાંત થયા બાદ મંદિરના જીર્ણોધ્ધાર-પુનઃ નિર્માણની વાત ઉચ્ચારી હતી. વાયુ વાવાઝોડાની અસરના કારણે આજે સૌરાષ્ટ્રના તમામ દરિયા તોફાની બન્યા હતા અને કરંટ મારતાં દરિયાના મોજાઓની થપાટના કારણે મંદિર તૂટ્યું હતું.
મંદિરનો મોટો ભાગ દરિયામાં તણાયો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ ઘટનામાં જાનહાનિ થઇ નથી. વાયુ વાવાઝોડાને પગલે મંદિરમાં કે તેની આસપાસનાં વિસ્તારમાં કોઇ હતું નહીં જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આ સિવાય માધવપુરમાં પણ ભારે પવનને કારણે એક મકાન ધરાશાયી થયું હતુ, જેના કારણે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો આ સિવાય પોરબંદર જૂની એસ.પી. કચેરીની છત પરથી જીસ્વાન ટાવર પડતા કનેક્ટિવિટી ફેઇલ થઇ ગઇ હતી.
વાયુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ રહ્યું હોવાથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તેની અસર થશે. વહેલી સવારથી જ સોમનાથ-વેરાવળમાં ૬૦થી ૭૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેનાથી સોમનાથ મંદિરના પ્રવેશદ્વાર પર જ ઉભા કરાયેલા શેડને નુકસાન પહોંચ્યું હતું. શેડના પતરા ભારે પવનને કારણે ઉડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બાદમાં બચી ગયેલા પતરાને મંદિરના વહીવટી તંત્રએ ઉતરાવી લીધા હતા. આ જ પ્રકારે વેરાવળમાં ભારે પવન ફુંકાતાં રેલવે સ્ટેશનનું બોર્ડ ઉડી ગયું હતું અને કોલેજની દીવાલ ધરાશાયી થઈ હતી. ભાવનગરના સોનગઢમાં ભારે પવન ફૂંકાવાના કારણે રેલવે સ્ટેશન પર બાંકડા ઉડીને રેલવે ટ્રેક પર જઈને પડ્યા હતા.