આઇપીએલ ૨૦૨૨ની ૬૫મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને ૩ રનથી હરાવ્યું. મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હતી. ભુવનેશ્વર કુમારે ૧૯મી ઓવરમાં વિકેટ મેડન નાખીને હૈદરાબાદને જીત અપાવી હતી. મુંબઈને છેલ્લા ૧૩ બોલમાં ૧૯ રનની જરૂર હતી. આ પછી ૧૮મી ઓવરના છેલ્લા બોલમાં ૧૮ બોલમાં ૪૬ રન રમીને ટિમ ડેવિડ પેવેલિયન પરત ફર્યો હતો.
આ પછી ભુવીએ ૧૯મી ઓવરમાં કમાલ કરી બતાવ્યું, ત્યાર બાદ ૨૦મી ઓવરમાં આવેલા ફઝલહક ફારૂકીએ ૧૯ રન ન થવા દીધા. આ રીતે એસએચઆરને સતત પાંચ હાર બાદ છઠ્ઠી જીત મળી. સનરાઈઝર્સ હૈદરાબાદ ૧૨ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે પરંતુ તેની પ્લેઓફની આશા હજુ પણ અકબંધ છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને ૧૩મી મેચમાં સિઝનની ૧૦મી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ૬ પોઈન્ટ સાથે ટેબલમાં છેલ્લા સ્થાને છે.
૯મા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૩માંથી ૯ મેચ હારી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ હવે તેની છેલ્લી મેચ દિલ્હી કેપિટલ્સ સામે રમશે. ટોસ હાર્યા બાદ રમવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૯૩ રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ૭ વિકેટ ગુમાવીને ૧૯૦ રન જ બનાવી શકી હતી. હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ ૭૬ રનની ઇનિંગ રમી હતી.
બીજી બાજુ, મુંબઈ માટે ટિમ ડેવિડે ૧૮ બોલમાં ૪૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.