નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે તખ્તો તૈયાર થઇ ગયો છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની તૈયારીમાં લાગી ગયા છે. ભાજપે આ વખતે અનેક ફિલ્મ સ્ટારોને પણ ચૂંટણી મેદાનમાં પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે. મનોજ તિવારી, રવિ કિશન અને દિનેશ લાલ યાદવ બોલિવુડની ખાન ત્રિપુઠીની જેમ ગણવામાં આવે છે. હવે ભોજપુરી ફિલ્મની આ ત્રિપુઠી ભાજપમાં સામેલ થઇ ગયા બાદ પાર્ટીનીસ્થિતી વધારે મજબુત દેખાઇ રહી છે. મનોજ તિવારી અને રવિ કિશન તો પહેલાથી જ ભાજપમાં સામેલ છે. હવે દિનેશ લાલ પણ લખનૌમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપમાં સામેલ થઇ ગયા છે.
આવી સ્થિતીમાં ભોજપુરી પટ્ટામાં અને ખાસ કરીને પૂર્વાંચલમાં ભાજપ આ ત્રણ સ્ટાર સાથે વધુ સારા દેખાવના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ગ્લેમરને ઉમેરી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. ભોજપુરી ફિલ્મના ત્રણ દિગ્ગજ એક સાથે ચૂંટણી મેદાનમાં છે. એમ માનવામાં આવે છે કે ભાજપ દ્વારા ટુંક સમયમાં જ ચૂંટણીને લઇને તેમની ભૂમિકા પણ નક્કી કરનાર છે. થોડાક દિવસ પહેલા એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં દિનેશ યાદવે કહ્યુ હતુ કે યોગીએ તેમને ચૂંટણી લડવા માટે કહ્યુ હતુ. હવે તેઓ આના માટે તૈયાર છે.
આઝમગઢમાંથી અખિલેશ યાદવની સામે ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે કે કેમ તે અંગે પુછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે આ તેમના માટે વધારે સારી બાબત છે. ગાજીપુરમાં તેઓ રહે છે જેથી તેમના માટે આ વધારે સારી બાબત છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વર્ષ ૨૦૧૪માં રવિ કિશન કોંગ્રેસની ટિકિટ પર મેદાનમાં ઉતર્યા હતા. જાનપુર સીટ પરથી મેદાનમાં ઉતર્યા બાદ તેમની હાર થઇ હતી. આ વખતે રવિ કિશન ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડવા માટે ઉત્સુક છે. રવિ કિશને માહિતી આપતા કહ્યુ હતુ કે તે જાનપુર અથવા તો ગૌરખપુર જ્યાંથી પણ પાર્ટી તેમને ઉતારવા માટે ઇચ્છુક છે તેઓ તૈયાર છે. મનોજ તિવારીની પણ વાર્તા એવી જ છે. વર્ષ ૨૦૦૯માં સમાજવાદી પાર્ટીમાંથી પ્રથમ વખત મનોજ તિવારી ગોરખપુરમાંથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તમામ લોકો જાણે છે કે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની સામે જ મનોજ તિવારીની વર્ષ ૨૦૦૯માં ગોરખપુરમાં હાર થઇ હતી. અન્નાના અનશન દરમિયાન મનોજ તિવારી ખુબ સક્રિય દેખાયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૪માં ભાજપે તેમને ઉત્તરપૂર્વીય દિલ્હીમાંથી ઉમેદવાર બનાવ્યા હતા. સાથે સાથે મનોજે અહીંથી ત્યારબાદ જીત હાંસલ કરી હતી. પૂર્વાંચલમાં ભાજપને જારદાર ફાયદો સ્ટારના કારણે થશે. જાતિગત સમીરણની વાત કરવામાં આવે તો રવિ કિશન અને મનોજ તિવારી બ્રાહ્યણ છે.