આધ્યાત્મ ગુરુ ભય્યુજી મહારાજે ઇન્દોર સ્થિત તેમને નિવાસસ્થાને લાઇસન્સ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસને તેમણે લખેલી સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં ભય્યુજીએ ખુદ લખ્યુ છે કે, પરિવારના તણાવને લીધે તે આત્મહત્યા કરી રહ્યાં છે. તેમની બીજી પત્ની આયુષી અને દીકરી કુહૂમાં ખુબ બોલાચાલી થતી હતી.
ભય્યુજીએ બપોરે 12.30થી 1 વાગ્યાના સમયગાળામાં દીકરી કૂહુના રૂમમાં જઇને આત્મહત્યા કરી લીધી હતી. ભય્યુજીના ઘરના નોકરોએ જણાવ્યુ કે ભય્યુજી બપોરે તેમના રુમમાંથી નીકળીને દીકરી કુહૂના રુમમાં ચાલ્યા ગયા હતા. દીકરીના રુમમાં ગયા બાદ ભય્યુજીએ નોકરોને ખખડાવ્યા હતા કે દીકરી કૂહુના બેડની બેડશીટ કેમ બદલી નથી. ત્યારબાદ નોકરોએ તરત જ કૂહુના બેડની બેડશીટ બદલી નાંખી હતી. ત્યારબાદ તેમણે તેમના કર્મચારી શેખરને બોલાવીને કોઇના ફોન આવ્યા છે કે નહી તે વિષે તપાસ કરી અને કહ્યું તે થોડા સમય તેમને એકલા મૂકી દે. કોઇનો પણ ફોન આવે હમણા તે લેશે નહી. મને ડિસ્ટર્બ ના કરવા જણાવ્યું હતું.
શેખરના ગયા બાદ 10 મિનીટમાં જ ધમાકાનો અવાજ આવ્યો હતો પરંતુ નોકરોને લાગ્યુ કે વાવાઝોડાને કારણે અવાજ આવ્યો છે. થોડા સમય બાદ જ્યારે ભય્યુજીની પત્ની આયુષી ઘરે આવી અને નોકરોને ભય્યુજી વિષે પૂછ્યુ ત્યારે તેમણે જણાવ્યુ કે તે કુહુના રૂમમાં છે. દરવાજો ખટખટાવતા કોઇ જવાબ ના આવ્યો, બાદમાં જ્યારે દરવાજો તોડ્યો ત્યારે કૂહુના રૂમમા રહેલી બિન્સ બેગ પર ભય્યુજી લોહીથી લથપથ પડ્યા હતા. તેમને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા હતા.