અમદાવાદ : કહેવત છે ને કે, મોરના ઇંડા ચીતરવા ના પડે. અમદાવાદના મીનીએચર આર્ટિસ્ટ અને ગિનિસ બુક વર્લ્ડરેકોર્ડમાં નામધરાવતાં દિપકભાઇ ભટ્ટના સંતાનો એવા પુત્ર કુશ ભટ્ટ અને પુત્રી દેવાંશી ભટ્ટે પણ આ ક્ષેત્રમાં કાઠુ કાઢયું છે. દિપકભાઇના ધોરણ-૭માં અભ્યાસ કરતા પુત્ર કુશ ભટ્ટે તાજેતરમાં ચોખાના એક દાણા પર એકબાજુ, ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો દોરી તેની નીચે મેરા ભારત મહાન લખ્યું હતું અને દાણાની બીજીબાજુ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું.
દિપકભાઇની પુત્રી દેવાંશી ભટ્ટે પણ અનેક રેકોર્ડ કર્યા છે. ખાસ કરીને દિપકભાઇનું નામ તો મીનીએચર વર્ક બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડરેકોર્ડમાં નામ નોંધાયેલું છે. દિપકભાઇ ભટ્ટે ચોખાના દાણા પર ૩૯૬ અક્ષર લખેલા છે. એટલું જ નહી, તલના એક દાણા પર ૧૪૬ અક્ષર લખી તે પત્ર ક્રિકેટના માસ્ટરબ્લાસ્ટર સચિન તેદુંલકરને અર્પણ કરાયો હતો. તો, દિપકભાઇએ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું નામ અને ફોટો તેમ જ કમળનું ચિહ્ન ચોખાના દાણા પર દોરી તેમને અર્પણ કર્યા હતા. તેમણે રાઇના દાણા પર પ્રમુખસ્વામીને તેમના ગરૂ એવા યોગીજી સ્વામીની મૂર્તિ દોરીને અર્પણ કરી હતી. દિપકભાઇ સોપારી પર ગણેશ ભગવાન અને રિધ્ધિ-સિધ્ધિની બહુ અદ્ભુત મૂર્તિ કોતરવાની નિપુણતા ધરાવે છે.