લખનઉ: એસસી અને એસટી કાયદાના વિરોધમાં સવર્ણ સમુદાયના રાષ્ટ્રવ્યાપી બંધની અપીલ પર પ્રદેશમાં જનજીવન ઉપર માઠી અસર થઈ હતી. ગુરૂવારે હિંસાની કોઈ ઘટના ન બનતા એકબાજુ તંત્રએ રાહતનો દમ લીધો હતો. બીજી બાજુ ગોંડામાં પહોંચેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે એસસી અને એસટી કાયદાના વિરોધમાં બંધની હાકલ કરવામાં આવી છે પરંતુ ભારત બંધનો કોઈ મતલબ દેખાતો નથી. લોકોની પોતાની ભાવનાઓ છે. લોકતંત્રમાં દરેક વ્યક્તિને પોતાની ભાવનાઓ રજુ કરવાનો અધિકાર છે. મુખ્યમંત્રી યોગીએ ગોંડા જિલ્લાના ઉમરી બેગમગંજમાં પુર પીડિતોની રાહત સામગ્રીને લઈને પરિસ્થિતિ પર નજર રાખ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સવર્ણોના ભારત બંધની બાબત હાલમાં યોગ્ય દેખાઈ રહી નથી. ભારત બંધ કરવાનું કોઈ કારણ પણ નથી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ આ દેશના દરેક વ્યક્તિની સુરક્ષા, ખુશાલી અને સમૃદ્ધિ માટે પગલાં લેવાની શરૂઆત કરી છે. અમે જાતિ ને ધર્મના આધાર ઉપર ક્યારેય પણ રાજનીતિ કરી રહ્યા નથી. સમાજના નબળા વર્ગના લોકોને સુરક્ષા આપવા માટે કાયદા બનાવી રહ્યા છીએ. કોઈપણ જગ્યાએ કાયદાનો દુરૂપયોગ ન થાય તે દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે. જનસભાને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ઉત્તરપ્રદેશ સરકારે નૌકાઓ ઉંધી વળી જવાની ઘટનાઓ, સર્પદંશ, બોરમાં પડી જવાની ઘટનાઓ, સીવેઝ સફાઈ ઘટનાઓ દરમિયાનની નોંધ લીધી છે. આ તમામ ઘટનાઓમાં પણ મોતના કેસમાં ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સ્થાનિક પ્રતિનિધિઓની માંગ ઉપર મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમામ બાબતોની નોંધ લેવામાં આવી રહી છે. તેમની સરકાર કોઈ ક્ષેત્રને પણ ઉપેક્ષિત રહેવા દેશે નહીં.