Uber-Olaના પાટિયા પડી જશે? 2026થી શરૂ થશે Bharat Taxi, જાણો આ ટેક્સી કેટલી હશે અલગ

Rudra
By Rudra 2 Min Read

1 જાન્યુઆરી 2026થી ભારતમાં એક બિલકુલ નવી ટેક્સી સર્વિસ શરૂ થવા જઈ રહી છે, જેનું નામ છે Bharat Taxi. તેમાં કેબ, ઓટો અને બાઇક ટેક્સી બુક કરવાની સુવિધા એક જ એપ દ્વારા મળશે, પરંતુ તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, આ ડ્રાઇવર-ઓન્ડ એટલે કે ડ્રાઇવરોની પોતાની સેવા હશે, કોઈ ખાનગી કંપનીની કે ઇન્વેસ્ટરની નહીં, એનો અર્થ છે કે, આ પ્લેટફોર્મનું નિયંત્રણ ડ્રાઇવરોના હાથમાં હશે.

ભારત ટેક્સી એક કોપરેટિવ મોડેલ પર આધારિત ટેક્સી સેવા છે, જેમાં હજારો ડ્રાઇવર મળીને આ સેવા ચલાવશે. યુઝર માટે તેનો ઇન્ટરફેસ અને રાઇડ બુકિંગનો અનુભવ અન્ય ટેક્સી એપ્સ ઓલા અને ઉબર જેવો જ રહેશે, પરંતુ કમાણી અને નિર્ણયોમાં ડ્રાઇવરોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે.

ભારત ટેક્સીનું સંચાલન સહકાર ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ, નવી દિલ્હી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કોઓપરેટિવના ચેરમેન જયન મહેતા છે, જે અમૂલ**ના મેનેજિંગ ડાયરેક્ટર પણ છે. આ પહેલને ભારત સરકારના સહકારિતા મંત્રાલય તરફથી સક્રિય સમર્થન મળી રહ્યું છે. સરકારના સહયોગ અને કોઓપરેટિવ સંસ્થાઓની ભાગીદારીને કારણે તેને ભારતીય મોબિલિટી સેક્ટરની એક ઐતિહાસિક પહેલ માનવામાં આવે છે.

ભારત ટેક્સી એક ઝીરો કમિશન મોડેલ પર કાર્ય કરે છે. જ્યાં અન્ય ટેક્સી એપ્સ ડ્રાઇવરોની કમાણીમાંથી મોટો ભાગ કમિશન તરીકે લઈ લે છે, ત્યાં ભારત ટેક્સીમાં ડ્રાઇવર દિવસના અંતે પોતાની કમાણીનો લગભગ 80 થી 100 ટકા સુધીનો હિસ્સો પોતાના પાસે રાખી શકશે. ભવિષ્યમાં પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે ડ્રાઇવરોને એક નાની ફી ચૂકવવી પડી શકે છે, પરંતુ તે હાલની સેવાઓની સરખામણીમાં ઘણી ઓછી હશે અને માત્ર ઓપરેશનલ ખર્ચ માટે જ ઉપયોગમાં લેવાશે.

ભારત ટેક્સી એપ હાલમાં એન્ડ્રોઇડ માટે Google Play Store અને iPhone માટે Apple App Store પર ઉપલબ્ધ છે. હાલ આ એપ બીટા સ્ટેજમાં છે, તેથી તેની સેવાઓ મર્યાદિત છે. જોકે, નેશનલ લેવલ પર લોન્ચ સમયે તેમાં ઘણા નવા ફીચર્સ ઉમેરવામાં આવી શકે છે.

Share This Article