નવીદિલ્હીઃ એસસી-એસટી એક્ટને મૂળભૂત સ્વરુપમાં રજૂ કરવાની માંગને લઇને અનેક દલિત સંગઠનો અને આદિવાસી સંગઠનો દ્વારા ૧૦મી ઓગસ્ટના દિવસે ભારત બંધની હાકલ કરવામાં આવી છે. ભારત બંધની હાકલના પરિણામ સ્વરુપે હિંસા ફેલાવવાની દહેશત પણ રહેલી છે જેથી કેન્દ્ર સરકાર ખુબ સાવધાન દેખાઈ રહી છે.
એલજેપી તરફથી ઉગ્ર વલણ અપનાવવામાં આવ્યા બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાવા મળી રહી છે. એલજેપી પણ એનડીએ સાથે છેડો ફાડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. આ મુદ્દાને લઇને હજુ બંને પાર્ટીઓ પોતપોતાના વલણ ઉપર આગળ વધી રહી છે. ૧૦મી ઓગસ્ટના દિવસે ભારત બંધની હાકલ દલિત સંગઠન તરફથી કરવામાં આવી છે ત્યારે સમુદાયના લોકોને સમજાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, બીજી એપ્રિલના દિવસે દલિત સંગઠનો તરફથી ભારત બંધની હાકલ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં ૧૦ લોકોના મોત થઇ ગયા હતા.
ચિરાગ પાસવાને કહ્યું છે કે, જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો દલિત સેના પણ ૧૦મી ઓગસ્ટના દિવસે યોજનાર ભારત બંધમાં સામેલ થઇ શકે છે. રાજકીય વર્તુળોમાં એસસી-એસટી એક્ટને લઇને ફરી ચર્ચા છેડાઈ ગઈ છે. એસસી-એસટી એક્ટને ફરીથી સંસદમાં બિલ તરીકે રજૂ કરવાના મુદ્દે ૭મી ઓગસ્ટ સુધીની મહેતલ મોદી સરકારને આપવામાં આવી છે. આને અગાઉના કાયદાને ફરી અમલી કરી શકાય તે હેતુસર આ માંગ કરવામાં આવી છે. અન્ય રાજકીય પક્ષોની નજર પણ એલજેપી ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે.