SC-ST એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારથી દલિત સંગઠનો સતર્ક થઇ ગયા હતા અને 2 એપ્રિલે ભારતબંધનું એલાન કર્યુ હતું. જે હેઠળ આજે સમગ્ર રાજ્યમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં દલિત સંગઠનો દ્વારા બજાર અને કોલેજો બંધ કરાવવાનો પ્રયાસ કરાયો હતો. દલિતોના ટોળા શહેરમાં ઠેર-ઠેર ફરી વળ્યા છે અને બી.આર.ટી.એસ સેવા પણ બંધ કરાવી દીધી છે.
દલિત વિરોધી કાયદો જો અમલમાં આવશે તો દલિતોને નુકશાન જશે તેવો ભય દલિત નેતા જીગ્નેશ મેવાણીને સતાવી રહ્યો છે. સરકાર જો પોતાનો પક્ષ દલિતોના સમર્થનમાં રજૂ નહી કરે તો 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને એક પણ ભાજપના નેતાને હાથ નહી લગાડવા દે એવી ચીમકી અપક્ષ ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ આપી હતી.
અમદાવાદ સિવાય રાજકોટમાં પણ દલિતોના ટોળા ફરી વળ્યા છે અને રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ બંધ કરાવી દીધો છે. જેને જોતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સાથે જ દલિતોએ નારા લગાવ્યા હતા. દલિત સંગઠન અને કોંગ્રેસે મળીને રાજકોટ બંધ કરાવવા હાકલ કરી છે.
ભરૂચ અને સુરતમાં પણ દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે અને ગુલાબના ફૂલ આપીને વિરોધ નોંધાવ્યો હતો. આમ સમગ્ર રાજ્યમાં દલિત સમાજ પોતાનો વિરોધ નોંધાવી રહ્યો છે અને ગુજરાત બંધ કરાવવા માટે હાકલ કરી રહ્યો છે.